દાઉદની ત્રણ પ્રોપર્ટીનું લિલામ શરૂઃ અફરોઝ હોટલ પર બધાની નજર

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની જપ્ત કરવામાં આવેલી ૧૦માંથી ત્રણ પ્રોપર્ટીનું આજે જાહેરમાં લિલામ શરૂ થઈ ગયું છે. આ લિલામની કાર્યવાહી ચર્ચગેટના આઈએમસી બિલ્ડિંગમાં આવેલ કિલાચંદ કોન્ફરન્સ રૂમમાં સવારે ૧૦.૦૦થી ૧૨.૦૦ દરમિયાન ચાલી હતી. આ પ્રોપર્ટીમાં રોનક અફરોઝ હોટલનો પણ સમાવેશ થાય છે.

છેલ્લે પત્રકાર એસ. બાલાકૃષ્ણને આ હોટલ માટે રૂ. ૪.૨૮ કરોડની સૌથી મોટી બોલી લગાવી હતી, પરંતુ તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. આ ઉપરાંત આજે હરાજી કરવામાં આવનાર દાઉદની અન્ય બે પ્રોપર્ટીમાં ડામરવાલા બિલ્ડિંગના છ રૂમ અને યાકુબ સ્ટ્રીટ સ્થિત શબનમ ગેસ્ટ હાઉસનો પણ સમાવેશ થાય છે. જે પ્રોપર્ટીનું આજે લિલામ થનાર છે તેમાંથી બે મુંબઈમાં અને એક ઔરંગાબાદમાં છે.

હરાજીમાં સામેલ થનાર ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજ પર પણ સૌની મીટ છે. તેમણે દાઉદની હોટલ ખરીદીને ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી છે. આ માટે તેમણે ૨૩.૭૨ લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને નિયત સમયમર્યાદામાં રૂ. એક કરોડ અઢાર લાખ ત્રેસઠ હજારનું પેમેન્ટ કરવું પડશે. છેલ્લે પણ ચક્રપાણીએ દાઉદની કાર ખરીદીને તેને જાહેરમાં સળગાવી નાખી હતી.

પાક મોડિયા સ્ટ્રીટ પર બનેલ ડામરવાલા બિલ્ડિંગની રિઝર્વ પ્રાઈસ રૂ. રૂ. એક કરોડ પંચાવન લાખ છોતેર હજાર છે, જ્યારે ભીંડી બજારમાં બનેલી હોટલ રોનક અફરોઝ માટે રૂ. રૂ. એક કરોડ અઢાર લાખની રિઝર્વ પ્રાઈસ રાખવામાં આવી છે.

You might also like