દાઉદ ભાઇ કભી રિટાયર નહીં હોંગે….વહી હમારે બોસ રહેંગે…: છોટા શકીલ

નવી દિલ્હી: અન્ડરવર્લ્ડ ડોન અને ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહીમ આજે પોતાનો ૬૦મો જન્મદિન મનાવી રહ્યો છે. આ દરમિયાન દાઉદના જમણા હાથ એવા છોટા શકીલે દાઉદ રિટાયર થશે અને પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે એવી તમામ અફવાઓને રદિયો આપતાં જણાવ્યું છે કે, “કભી રિટાયર નહીં હોગે દાઉદભાઇ ઉનકી જગહ કોઇ નહીં લે શકતા. વહી હમારે બોસ હૈ ઔર હંમેશા રહેગે.”

છોટા શકીલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદના બર્થ ડે પર એવી પણ ધમકી આપી છે કે ડી કંપની છોટા રાજનને તિહાર જેલમાં જ પતાવી દેશે. શકીલે એવો દાવો કર્યો છે કે છોટા રાજન એવું માને છે કે તે તિહાર જેલમાં સુર‌િક્ષત અને સલામત છે, પરંતુ તે તિહાર જેલમાં જ મરશે. કારણ કે અમે તેને તિહાર જેલમાં જ ખતમ કરી નાખીશું.

છોટા શકીલે વધુમાં જણાવ્યું હતું કે ડી કંપની છોટા રાજનને હવે દુશ્મનની કેટેગરીમાં પણ રાખતી નથી. તે એક મરેલો સાપ છે. છોટા રાજનને વિદેશમાં ખતમ કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમે તેમાં સફળ ન રહ્યા. એજન્સીઓ જ રાજનને ભગાડવામાં મદદ કરે છે, પરંતુ અમે તેને આજે અથવા કાલે મારી જ નાખીશું.

દાઉદની નિવૃત્તિ અંગે વાત કરતાં છોટા શકીલે જણાવ્યું હતું કે દરેક વ્યકિત ૬૦ વર્ષની થતી હોય છે. એનો મતલબ એ નથી કે ભાઇ બેકસીટ પર ચાલ્યા જશે. દાઉદ ભાઇ તો સંપૂર્ણપણે સ્વસ્થ છે. મીડિયા તેમના અંગે એવું જુઠાણું ફેલાવી રહેલ છે કે તે બીમાર છે. દાઉદભાઇ બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. અમારું ૯૯ ટકા ધ્યાન અમારા બિઝનેસ પર જ હોય છે. એક ટકા ધ્યાન જેઓ અમારા રસ્તામાં રોડાં બને છે તેને પાઠ ભણાવવામાં જાય છે.

દાઉદના બર્થ ડે પ્લાન અંગે છોટા શકીલે જણાવ્યું હતું કે અમે કોઇ મોટી પાર્ટી કરવાના નથી. આ માત્ર અફવાઓ છે. ભાઇના બર્થ ડેની ઉજવણીમાં માત્ર ઘરના સભ્યો જ ભાગ લેશે અને બાળકો કેક કાપશે. બહારના કોઇ લોકો આવશે નહીં. અમે ખાલી એક નાની પાર્ટી કરીશું. દાઉદ હવે સંપૂર્ણપણે ધાર્મિક થઇ ચૂકયા છે અને દર વર્ષે મક્કા જાય છે. એટલું જ નહીં દાઉદભાઇ ‌િ‌દવસમાં પાંચ વખત નમાજ પઢે છે. દાઉદની હવે ભારત પરત આવવાની ઇચ્છા જ નથી.

You might also like