દાઉદે કહ્યુંઃ ‘બસ ખાલી બીપી વધી ગયું છે, બીજી કોઈ બીમારી નથી’

નવી દિલ્હી: ઈન્ડિયાના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમના ઠેકાણાનો આખરે પત્તો મળી ગયો છે. CNNNews18 દ્વારા એક સનસનીખેજ પર્દાફાશમાં દાઉદ ઈબ્રાહીમ અંગે અત્યંત ગુપ્ત અને મોટી જાણકારી સામે આવી છે. આ ખાસ જાણકારી દાઉદ ઈબ્રાહીમ સાથે થયેલી વાતચીત દ્વારા બહાર આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હંમેશાં ભારતના આ દાવાને રદિયો આપતું આવ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે, પરંતુ આ સનસનીખેજ પર્દાફાશથી પાકિસ્તાનની તમામ દલીલો અને દાવાઓ બેબુનિયાદ સાબિત થયા છે, કારણ કે ફોન પર થયેલી સીધી વાતચીતમાં દાઉદે કબૂલાત કરી છે કે તે કરાચીમાં રહે છે.

દાઉદ ઈબ્રાહીમે આ વાતચીતમાં એકરાર કર્યો છે કે ન તો તેને હાર્ટએટેક આવ્યો હતો કે ન તો તેને ગેંગ્રીન જેવી બીમારી છે. તેણે માત્ર એટલું જણાવ્યું છે કે તેનું બ્લડપ્રેશર (બીપી) વધી ગયું છે, એટલું જ નહીં દાઉદ ઈબ્રાહીમની તબિયતને લઈ દુનિયાભરના મીડિયામાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી, પરંતુ CNNNews18 સાથે થયેલી વાતચીતમાં દાઉદે સ્વયં એકરાર કર્યો છે કે તેને બીપીની બીમારી સિવાય કોઈ મોટી બીજી ગંભીર બીમારી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત દાઉદે કોઈ ટીવી ચેનલ સાથે સીધી વાત કરી છે. CNNNews18 દ્વારા સંપૂર્ણ તપાસ બાદ તેના એડિટર મનોજ ગુપ્તાએ દાઉદનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ વર્ષે મે મહિનામાં પણ દાઉદ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ વાતચીતના ઓડિયોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. બે મહિના સુધી તપાસ કર્યા બાદ ખાતરી થઈ ગઈ હતી કે ફોન ઓડિયોમાં દાઉદ ઈબ્રાહીમનો જ અવાજ છે.

મનોજ ગુપ્તા સાથે થયેલી વાતચીતમાં કબૂલ્યું છે કે તે કરાચીમાં જ રહે છે. સંબંધિત ચેનલનો દાવો છે કે આ પ્રથમ વાર છે કે જ્યારે દાઉદે કોઈ ટીવી ચેનલ સાથે સીધી વાતચીત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં દાઉદ મોસ્ટ વોન્ટેડ છે. દાઉદે આ બોમ્બ વિસ્ફોટ પોતાના સાથી ટાઈગર મેમણ અને યાકુબ મેમણ સાથે મળીને કરાવ્યા હતા. યાકુબ મેમણને જુલાઈ-૨૦૧૫માં ફાંસી આપવામાં આવી હતી.

You might also like