દાઉદ પાક.માં બેઠો બેઠો મુંબઈથી ભાણેજના નિકાહ લાઇવ નિહાળશે

728_90

નવી દિલ્હી: માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં બેઠાબેઠા તેના ભાણેજના મુંબઈમાં થતા નિકાહનું જીવંત પ્રસારણ નિહાળશે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદે મુંબઈમાં રહેલા તેના સાગરિતોને આ નિકાહ માટે ખાસ આદેશ આપ્યા છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર દાઉદ તેના ભાણેજના નિકાહ સ્કાઈપ દ્વારા નિહાળશે.

દાઉદની મોટી બહેન હસીના પારકરના નાના પુત્ર અલી શાહના આવતી કાલે બુધવારે નિકાહ થવાના છે. જોકે 2015માં હસીના પારકરની પુત્રીના નિકાહ ખૂબજ સાદાઈથી થયા હતા. પરિવારના નજીકનાં સૂત્રો જણાવે છે કે નિકાહની રસમ નાગપાડાની રસૂલ મસ્જિદમાં બુધવારે સવારે 11 કલાકે અદા કરવામાં આવશે. પરંતુ શાદીનું મુખ્ય આકર્ષણ રિસેપ્શન અથવા દાવત એ વલીમા રહેશે. જેનું આયોજન આવતી કાલે રાતે નવ કલાકે મુબંઈના જૂહુ વિસ્તારમાં આવેલી ટયૂલિપ સ્ટાર હોટલના હાર્બર હોલમાં કરવામાં આવશે.આ હોલની ક્ષમતા 800 લોકોની છે. અલી શાહના નિકાહ મુંબઈના જ એક બિઝનેસમેન સિરાજ અલી મહંમદ નગાનીની પુત્રી આયેશા સાથે થવાના છે.

એક તરફ પરિવારજનો ભવ્ય શાદી સમારોહની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ પણ આ આયોજનમાં કોઈ કસર રાખવા માગતી નથી. મુંબઈ પોલીસના એક ડઝનથી વધુ કર્મચારી સાદા વેશમાં આ સમગ્ર આયોજન પર ઝીણવટપૂવર્ક નજર રાખશે કે આ નિકાહમાં અંડરવર્લ્ડનાં કોઈ તત્ત્વો હાજર રહે છે કે નહી.

You might also like
728_90