દાઉદની નવી તરકીબઃ નેપાળ માર્ગેથી ભારતમાં પહોંચાડાતું કોકેન

નવી દિલ્હી: નેપાળની એક હોટલમાંથી પકડાયેલા બે મલેશિયન નાગરિકે કરેલા ખુલાસા પરથી બહાર આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ હવે નેપાળના માર્ગેથી ભારતમાં બનાવટી કરન્સીના કારોબાર સાથે મોટાપાયે ડ્રગ્સની તસ્કરી કરાવી રહ્યો છે, જેમાં ભારતમાં કોકેન ઘુસાડવામાં ‍આવી રહ્યું છે.

કાઠમંડુના ધમેલની એક હોટલમાંથી મલેશિયન નાગરિક એલિસ જોસેફ અને માગેન્થિરન રાજાની ધરપકડ કરવામાં ‍આવી હતી, જેમાં નેપાળ પોલીસે તેમની પાસેથી દોઢ કિલો કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ત્રણ કરોડ જણાવાઈ રહી છે. તેમની પૂછપરછમાં જ્યારે તેમણે દાઉદનું નામ આપ્યું હતું ત્યારે પોલીસ ચોંકી ઊઠી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલું કોકેન તેમને મલેશિયામાં રહેતા ભારતીય નાગરિક પ્રકાશ રાવે આપ્યું હતું. તેની ડિલીવરી તેમને નેપાલના હડકટમાં રહેતા પાકિસ્તાની નાગરિક વાહિદ ખાન ઉર્ફે કાકા અબ્દુલ રઝાકને કરવાની હતી. ત્યારબાદ ત્યાંથી આ કોકેન મુંબઈ મોકલવાનું હતું.

તપાસ અધિકારીઓએ જણાવ્યું કે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા એક નેપાળી મૂળના એજન્ટની પણ તપાસ ચાલી રહી છે. આ તપાસમાં નેપાળ પોલીસ હવે ઈન્ટરપોલની મદદથી મલેશિયા રહેતા પ્રકાશ રાવ પર ધોંસ બોલાવવા તરફ આગળ વધી રહી છે. રાવ છેલ્લા ઘણા સમયથી મલેશિયાથી કોકેનનો કારોબાર કરી રહ્યો છે. પ્રકાશ રાવ દાઉદનો ખાસ સાગરીત છે અને તે દાઉદના કાળાં નાણાંનો કારોબાર સંભાળે છે.
http://sambhaavnews.com/

You might also like