લાહોરમાં નવાઝને ત્યાં લગ્નમાં ડૉન દાઉદ પણ હાજર હતો !

મુંબઇ: ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહીમ અંગે એક સનસનીખેજ ખુલાસો થયો છે. ગયા મહિને પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના ઘરે લગ્ન પ્રસંગમાં દાઉદ ઇબ્રાહીમ હાજર રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો કર્યો છે એક પત્રકારે. ખાસ વાત એ છે કે, એક દિવસ પહેલા જ પીએમ મોદીએ પણ એ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. આ લગ્નમાં દાઉદની હાજરીથી એક બાબત સ્પષ્ટ થઇ છે કે, નવાઝ શરીફ ભારતને છેતરી રહ્યા છે.

એક તરફ ભારત સાથે નવા સંબંધોની વાતો, ઉમળકાભેરની મુલાકાતો અને બીજી તરફ મોસ્ટ વોન્ટેડ દુશ્મનને આમંત્રણ. પાકિસ્તાનનું આ બેવડું વલણ ફરી છતું થયું છે. અફઘાનિસ્તાનથી પાછા ફરતા મોદીએ દોસ્તી નિભાવી હતી. પાકિસ્તાન ઉતર્યા હતા અને નવાઝની ખુશીમાં સામેલ થયા હતા. વધુને આશીર્વાદ પણ આપ્યા હતા અને ભેટ પણ આપી હતી.

મુંબઇના વરિષ્ઠ પત્રકાર બલજીત પરમારનો દાવો છે કે, ર૬ ડિસેમ્બરના દિવસે ભારત સાથે રમત રમી રહેલો ડોન દાઉદ લાહોરમાં જ હતો. તે રાઇવિન્દ પેલેસમાં પણ ઉપસ્થિત રહ્યો હતો. પરમારનું કહેવું છે કે, નવાઝને ત્યાં લગ્ન સમારોહમાં ડોન દાઉદ પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. આ પાર્ટીમાં ભારતના એક મોટા ઉદ્યોગપતિ અને મુંબઇથી કેટલાક લોકો ગયા હતા. આ એ પત્રકાર છે કે જેઓ ૮૦ના દાયકામાં દુબઇમાં દાઉદને બે વખત મળ્યાનો દાવો કરી ચુકયા છે. દાવાને જો સાચો ગણવામાં આવે તો નવાઝ શરીફની ઇમાનદારી ઉપર સવાલ ઊભા થશે.

મહત્વની વાત એ છે કે, ભારતીય ગુપ્તચરોએ દાઉદના જમણા હાથ છોટા શકીલની ટેલિફોનિક વાતચીત આંતરી હતી. આ વાતથી જણાયું હતું કે, દાઉદ કોઇ મોટા જલસામાં સામેલ થવાનો છે. એ સમયે લાગ્યું હતું કે, કદાચ આ જલસો ખુદ દાઉદની બર્થ ડે પાર્ટીનો છે. ર૬ ડિસેમ્બરે દાઉદનો જન્મદિવસ હતો. ગુપ્તચર એજન્સીઓને લાગ્યું હતું કે, ડી કંપની દાઉદના ૬૦ વર્ષ પુરા થવાની ઉજવણી કરવાની છે આ માટે અનેક દેશોના મહેમાનોને આમંત્રણ અપાયુ હતુ.

પત્રકાર બલજીત પરમારનો દાવો છે કે, નવાઝને ત્યાં લગ્નમાં પાકિસ્તાન સરકાર, આઇએસઆઇ, ફોજના ચહેરા અને દાઉદ ઇબ્રાહીમ પણ હાજર રહ્યો હતો. દાઉદની બેગમ, બેટી સહિત પરિવાર પણ હાજર હતો. જો નવાઝ શરીફ વાસ્તવમાં સારા સંબંધ ઇચ્છતા હોય તો લગ્નમાં ભારતના દુશ્મનને શા માટે બોલાવ્યો ? જો દાઉદને નજરકેદ કરાયો હોય તો તે આ જલસામાં કઇ રીતે હાજર રહ્યો ? સવાલ એ પણ છે કે, દાઉદ પાછળ અમેરિકા, બ્રિટન, ભારત સહિત અનેક દેશો પાછળ પડયા છે ત્યારે પાકિસ્તાન તેને શા માટે પંપાળી રહ્યુ છે ?

You might also like