“હવે હું કદાચ ફરીથી ક્યારેય પણ ઓસ્ટ્રેલિયા તરફથી રમી નહીં શકું”

સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બદલ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને આના માટે તેણે જવાબદારી સ્વીકારી માફી પણ માગી છે. વોર્નરે કહ્યું, ”જે કંઈ બન્યું એના માટે હું મારા હિસ્સાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું અાના માટે દિલથી માફી માગું છું.ઓસ્ટ્રેલિયાની ટીમના વાઇસ કેપ્ટન તરીકે મેં ભૂલ કરી છે.”

આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પત્રકારો સાથે વાત કરતાં ડેવિડ વોર્નર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. રડતાં રડતાં તેણે કહ્યું, ”મને એ વાતનો અહેસાસ છે કે હું કદાચ ફરીથી ક્યારેય ઓસ્ટ્રેલિયા તરફથી રમી નહીં શકું. હું ઈમાનદારીથી કહી શકું છું કે હું ફક્ત ક્રિકેટ રમીને મારા દેશનો ગૌરવાન્વિત કરવા ઇચ્છતો હતો.”

વધુમાં ડેવિડ વોર્નરે જણાવ્યું, ”આવું કરવાના પ્રયાસમાં મેં આ નિર્ણય લીધો, જેની વિપરીત અસર પડી અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મને આ વાત પર પસ્તાવો રહેશે.”

પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં વોર્નરે કહ્યું, ”મારા પર જે ૧૨ મહિનાનો પ્રતિબંધ લાગ્યો છે તેની સામે અપીલ કરવા અંગે વિચારીશ.” આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વાર વોર્નરની આંખોમાં આંસુ છલકી આવ્યાં હતાં. વોર્નરે સ્વીકાર્યું કે તેના કારણે ક્રિકેટની રમત બદનામ થઈ અને તેના માટે તે ચાહકો, પરિવાર અને દક્ષિણ આફ્રિકાની માફી માગે છે.

કોન્ફરન્સ દરમિયાન વોર્નરને રડતો જોઈ તેની પત્ની કેન્ડિસ પણ ડૂસકાં ભરતી નજરે પડી હતી. વોર્નરે વચન આપ્યું કે, ”હું ફરીથી મારા પરિવારને આ સ્થિતિનો સામનો નહીં કરવા દઉં.”

એક પત્રકાર દ્વારા વોર્નરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘આ મામલામાં કોઈ અન્ય પણ સામેલ છે?’ જોકે આ વોર્નરે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને મૌન સેવી લીધું હતું.

આ પહેલાં ગત ગુરુવારે મીડિયા સામે સ્ટીવ સ્મિથે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું હતું, ”મને આશા છે કે આવનારા સમયમાં મને માફ કરી દેવામાં આવશે. એક કેપ્ટન અને એક ખેલાડીના રૂપમાં મારાથી ભૂલ થઈ ગઈ છે. આના માટે હું મારા પ્રશંસકોની માફી માગું છું.” ઉલ્લેખનીય છે કે ગત બુધવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર બોલ ટેમ્પરિંગ કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ લાદી દીધો હતો, જ્યારે બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

You might also like