નાનપણથી જ ભારતને નફરત કરતો, બદલો લેવા તોઇબામાં જોડાયોઃ હેડલી

મુંબઇ: મુંબઇના ર૬/૧૧ના ત્રાસવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ ડેવિડ કોલમેન હેડલીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે ત્રીજા દિવસે પણ પોતાની ઊલટ તપાસમાં જણાવ્યું હતું કે હું બાળપણથી જ ભારત અને ભારતીયોને નફરત કરતો હતો. હેડલીએ એવો પર્દાફાશ કર્યો હતો કે ભારત સામે બદલો લેવા જ મેં લશ્કર-એ-તોઇબા સાથે હાથ મિલાવ્યા હતા.
હેડલીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે ૧૯૭૧માં ભારતીય વિમાનોએ પાકિસ્તાન સ્થિત તેની સ્કૂલ પર બોમ્બ વરસાવીને સ્કૂલનેે તહસનહસ કરી નાખી હતી અને ત્યારથી જ મારા મનમાં ભારત અને ભારતીયો વિરુદ્ધ નફરત ભડકી ઊઠી હતી અને આ જ કારણસર હું ભારતને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માગતો હતો અને લશ્કર-એ-તોઇબામાં જોડાવાનું કારણ પણ આજ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ હુમલામાં પોતાની ભૂમિકા બદલ હેડલી હાલ અમેરિકામાં જેલની સજા કાપી રહ્યો છે. મુંબઇની અદાલતમાં પોતાની ઊલટ તપાસમાં હેડલીએ જણાવ્યું હતું કે ૧૯૭૧માં ભારતીય વિમાનોએ મારી સ્કૂલને ફૂંકી મારી હતી અને ત્યાં કામ કરતા તમામ લોકો માર્યા ગયા હતા. હેડલી પોતાની જુબાનીમાં ૩-૧૬ ડિસેમ્બર ૧૯૭૧ સુધી થયેલા ભારત-પાક. યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યો હતો. એ વખતે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી.

પાકિસ્તાની પિતા અને અમેરિકન માતાનું સંતાન હેડલીએ ૧૬ વર્ષ સુધી પાકિસ્તાનમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ અમેરિકા ચાલ્યો ગયો હતો. તેણે ર૦૦રમાં લશ્કર-એ-તોઇબા સાથે હાથ મિલાવ્યા હતા. હેડલીએ ત્રીજા દિવસે પોતાના તમામ ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે હું ખૂબ જ ખરાબ માણસ છું. મેં આ વાતનો સ્વીકાર કર્યો છે. હું મારા તમામ અપરાધો કબૂલી ચૂકયો છંુ અને તમે કહેતા હો તો ફરી અેક વાર તમામ ગુનાઓ સ્વીકારી લઉં છું.

લશ્કરે બાળ ઠાકરેની હત્યાની સાજિશ ઘડી હતી
દરમિયાન ગઇ કાલે ડેવિડ હેડલીએ પોતાની પૂછપરછમાં એવો સનસનીખેજ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ શિવસેનાના તત્કાલીન સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેની હત્યા કરાવવા સાજિશ ઘડી હતી, પરંતુ એ શખ્સને ઠાકરેની હત્યા કરવાનુંં કામ સોંપવામાં આવ્યું હતું તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જોકે પાછળથી આ શખ્સ પોલીસને હાથતાળી આપીને ફરાર થવામાં સફળ થયો હતો.

મેં લશ્કરને ૭૦ લાખ રૂપિયા આપ્યા હતાઃ હેડલી
હેડલીએ વધુમાં કબૂલાત કરી હતી કે તેણે ર૦૦૬માં એટલે કે મુંબઇ આતંકી હુમલાના બે વર્ષ પહેલાં લશ્કર-એ-તોઇબાને રૂ.૭૦ લાખનું દાન આપ્યું હતું. પોતે લશ્કર-એ-તોઇબા પાસેથી કોઇ નાણાં લીધાં હોવાનો ઇનકાર કર્યો હતો.

You might also like