આતંકીઓને હિન્દુ બનાવીને સિદ્ધિ વિનાયક મંદિરમાં મોકલવાની સાજિશ ઘડી હતીઃ હેડલી

મુંબઈ: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને પાકિસ્તાની-અમેરિકન આતંકી ડેવિડ હેડલી કોલમેનની જુબાની આજે ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. હેડલીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ એવો ખુલાસો કર્યો છે કે સિદ્ધિ વિનાયક મંદિરમાં હુમલા માટે આતંકીઓને હિન્દુ બનાવીને મોકલવાની તૈયારી કરી હતી. આ માટે તેમણે મંદિર પરથી કાંડા પર બાંધવા માટે ૧૫થી ૨૦ પીળા દોરા ખરીદ્યા હતા. આ દોરા મુંબઈ હુમલાને અંજામ આપવા માટે આવેલ કસાબ અને તેના સાથીઓને આપવામાં આવ્યા હતા કે જેથી તેઓ હિંદુઓ જેવા દેખાય અને કોઈને શક ના જાય.

હેડલીએ બીજો ચોંકાવનારો ખુલાસો એ કર્યો છે કે હું શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને ખતમ કરવા માગતો હતો અને મેં મુંબઈમાં શિવસેના ભવનની પણ રેકી કરી હતી. શિવસેનામાં ઘૂસણખોરી એટલા માટે કરી હતી કે લશ્કર-એ-તોઇબા ભવિષ્યમાં શિવસેનાના હેડ ક્વાર્ટરને નિશાન બનાવવા માગતું હતું. મેં શિવસેનાના સભ્ય રાજારામ રેગેની દોસ્તી કરી હતી. એ જ રીતે વિલાસ નામના શખ્સ મારફતે રાહુલ ભટ્ટ (ડાયરેક્ટર મહેશ ભટ્ટના પુત્ર)ની પણ દોસ્તી કરી હતી.

હેડલીએ આજે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે તેણે હુમલા માટે મુંબઈ એરપોર્ટની રેકી પણ કરી હતી, પરંતુ મેજર ઈકબાલ મુંબઈ એરપોર્ટ પર હુમલો કરવાની બાબતમાં નારાજ દેખાતા હતા અને તેથી તેણે આતંકીઓના ટાર્ગેટમાં મુંબઈ એરપોર્ટને સામેલ કર્યું ન હતું. હેડલીની દૃષ્ટિએ તેમનો આ નિર્ણય યોગ્ય ન હતો. મુંબઈ એરપોર્ટ અને બીજા લોકેશનને મેં જીપીએસ દ્વારા મારા સેટેલાઈટ ફોનમાં નોટ કર્યા હતા, જેને લશ્કર-એ-તોઈબાના ઓપરેટર સા‌િજદ મીરે પાછળથી પોતાના લેપટોપમાં ડાઉનલોડ કરી લીધા હતા કે જેથી તમામ ટાર્ગેટના અંતર અંગે યોગ્ય જાણકારી મળી શકે.
હેડલીએ વધુમાં જણાવ્યું હતું કે મેં જ્યારે હાથના કાંડા પર બાંધવાના પીળા દોરા સા‌િજદ મીરને બતાવ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થયા હતા અને મારા કામની પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલા દરમિયાન હુમલાખોરોએ કાંડા પર આ દોરા પહેરી રાખ્યા હતા.

હેડલીએ જણાવ્યું હતું કે મેજર ઈકબાલના કહેવાથી મેં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ની પણ રેકી કરી હતી. બીએઆરસી પર જઈને મેં વીડિયો તૈયાર કર્યો હતો, જે મેજર ઈકબાલને સોંપ્યો હતો. મેજર ઈકબાલે હેડલીને બીએઆરસીમાં પોતાનો એક એજન્ટ નિમવા જણાવ્યું હતું કે જેથી તે ત્યાંની તમામ માહિતી આપી શકે.

મેજર ઈકબાલે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના કર્મચારીઓને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે જોડવા કહ્યું હતું અને તેની જાસૂસી કરવા માટે એજન્ટો નીમવાની પણ વાત કરી હતી. આ માટે હું બીએઆરસી ગયો હતો અને ત્યાંની વિસ્તૃત વીડિયો તૈયાર કરીને મેજર ઈકબાલ અને સા‌િજદ મીરને સોંપ્યો હતો.

હેડલીએ જણાવ્યું હતું કે મુંબઈમાં રહ્યા બાદ ૨૦૦૮માં ૯થી ૧૫ એપ્રિલ સુધી હું પાકિસ્તાનમાં રહ્યો હતો અને ત્યાં મેં સા‌િજદ મીર અને મેજર ઈકબાલની મુલાકાત લીધી હતી અને હુમલા માટે નિર્ધારિત જગ્યાઓનો વીડિયો તેમને બતાવ્યો હતો. હેડલીએ જણાવ્યું હતું કે મેં ગેટ વે ઓફ ઈન્ડિયા, કફ પરેડ અને વર્લીની પણ મુલાકાત લીધી હતી અને આતંકીઓએ ક્યાં રોકાવું જોઈએ તે પણ જોયું હતું.

આ દરમિયાન હેડલી અમેરિકા અને ફિલાડેલ્ફિયા પણ ગયો હતો અને ત્યાંથી તહવ્વુર હુસેન રાણા સાથે ફોન પર વાતચીત કરી હતી અને હુમલા અંગે સલાહ મેળવી હતી. હેડલીએ જણાવ્યું હતું કે લખવીએ મને કહ્યું હતું કે મુંબઈ પર હુમલા કરવા ખૂબ જરૂરી છે. તેની દલીલ એવી હતી કે ભારતે પાકિસ્તાનમાં ઘણા હુમલા કરાવ્યા છે અને મુંબઈ પર હુમલા કરીને તેનો જવાબ આપવાનો છે.

હેડલીએ એવું પણ જણાવ્યું હતું કે મેજર ઈકબાલે મને મુંબઈના નેવલ એર સ્ટેશનનો સર્વે કરવા પણ કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે નેવલ સ્ટેશનની પણ રેકી કરવામાં આવી હતી, જેનો પાછળથી લશ્કર-એ-તોઈબા સાથેની ચર્ચામાં ઉલ્લેખ કરાયો હતો.

સ્પેશિયલ કોર્ટે હેડલીને અમેરિકન કોર્ટમાં થયેલી સુનાવણીના દસ્તાવેજો જોઈને નહીં, પરંતુ યાદદાસ્તના આધારે જાણકારી આપવા જણાવ્યું હતું. કોર્ટે હેડલીને જણાવ્યું હતું કે જ્યાં મુશ્કેલી પડશે ત્યાં તેણે અમેરિકન કોર્ટના દસ્તાવેજો ઉપલબ્ધ કરવામાં આવશે. તેના જવાબમાં હેડલીએ જણાવ્યું હતું કે આ મામલાને હવે બહુ લાંબો ન ખેંચો અને અને આ માટે તેણે વધુ સાચું બનાવવું પડશે. ઘટના ૮થી ૧૦ વર્ષ જૂની છે અને તેથી યાદદાસ્તના આધારે જવાબ આપવા મુશ્કેલ છે.

You might also like