પિતા દ્વારા ગુજરાયેલા બળાત્કારથી ગર્ભવતી બનેલી પુત્રીને જ પંચાયતે ફટકારી સજા

સતારા : મહારાષ્ટ્રનાં સતારામાં ગર્ભવતી સગીરાને 10 કોરડાની સજા ફટકારવામાં આવી હતી. તે યુવતિ પોતાનાં પિતા દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવતા ગર્ભવતી બની હોવાનો આરોપ છે. જો કે પંચાયતે અજબ ન્યાય આપતા પિતા અને પુત્રી બંન્નેને દસ કોરડાની સજા ફટકારી હતી. પિતાને પણ પુત્રી જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે યુવતીને કોઇ વાંક ગુના વગર દંડવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનાં સતારામાં રહેતી યુવતીની માતાનું મૃત્યું થવાનાં કારણે તેનાં પિતાએ જ તેને ઉછેરીને મોટી કરી હતી. યુવતિનો બાપ તેનાં પર છેલ્લા ચાર મહિનાથી વારંવાર બળાત્કાર કરતો હતો. જેનાં કારણે તે ગર્ભવતી થઇ હતી. યુવતી ગર્ભવતી થયા બાદ વાત જાહેર થઇ ગઇ હતી. જો કે પંચાયતે કાયદાની એસીતેસી કરીને ફરિયાદી યુવતીને જ સજા ફટકારી દીધી હતી. નવાઇની વાત તો એ છે કે યુવતી જેટલી જ સજા તેનાં બાપને કરવામાં આવી હતી. જ્યારે યુવતી નિર્દોષ હોવા છતા પણ તેને સજા કરવામાં આવતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.

પંચાયત દ્વારા બાપ બેટીને દોરડા વડે બાંધીને બજારમાં જાહેરમાં બેસાડવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા બંન્નેને 10-10 કોરડા ફટકારવામાં આવ્યા હતા. પંચાયતે બાપ જેટલી જ જવાબદાર યુવતીને પણ ગણી હતી અને બંન્નેને એક જેવી જ સજા ફટકારી હતી. પંચાયતે નોંધ્યું કે ચાર મહિનાથી આ હિન કૃત્ય થતું હોવા છતા પણ તે શા માટે ચુપ રહી હતી. તેણે અગાઉ આની જાણ કરી હોત તો તેનાં બાપને યોગ્ય સજા થઇ શકી હોત. જો કે પાપ છાપરે ચડ્યા બાદ અને ગામલોકોને જાણ થયા બાદ હવે તે જાણ કરી રહી છે. તેથી આ હિનકૃત્યમાં યુવતીનો પણ સાથ હોવાનું લાગી રહ્યું છે. તેથી બંન્નેને સજા એકસમાન થવી જોઇએ તેવું પંચાયતનાં સભ્યોએ દલીલ કરી હતી.

You might also like