ભગવાન દત્તાત્રેય જયંતી

ભગવાન દત્તના નામથી કોણ અજાણ્યું હશે? લગભગ કોઇ જ નહીં. શ્રીમદ્ ભાગવતપુરાણ (૪-૧, ૧૭.૩૨) પ્રમાણે અત્રિ ઋષિને બ્રહ્મદેવના અંશથી ચંદ્ર (સોમ) વિષ્ણુના અંશથી યોગશાસ્ત્રમાં નિપુણ એવા દત્તાત્રેય તથા શંકરના અંશથી દુર્વાસા નામના પુત્ર જન્મ્યા. દત્તાત્રેયને અત્રિ અને અનસૂયાના પુત્ર તરીકેના જન્મ અંગેની કથા વિવિધ પુરાણોમાં જોવા મળે છે જે બધાનો સાર એક જ છે કે ભગવાન એક મહાન સંત, યોગી, વરદાન આપનાર વરદાતા, વિષ્ણુ ભગવાનના અવતાર છે. દત્ત ભગવાનને િવવિધ ગ્રંથોએ અલગ અલગ નામથી ઉલ્લેખ્યા છે. જેમ કે મહાયોગી, દિગમ્બર, અવધૂત, મહાજ્ઞાનપ્રદ, સત્યાનંદ, ચિદાત્મક, સિદ્ધસેવિત, યોગીજનપ્રિય, બાલ, ઉત્તમ આનંદદાયક. આ મહાગુરુ દત્તાત્રેયને તો શાંડિલ્ય ઉપનિષદ્ના (૩૩મા) વિશ્વગુરુની પદવી અપાયેલી છે.

સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, રક્ષક ભગવાન વિષ્ણુ તથા સંહારક ભગવાન શિવ, આ ત્રણેય અયોનિજન્માનું એક દિવ્ય સ્વરૂપ તે જ ભગવાન દત્તાત્રેય. આ ત્રિદેવના અંશ માતા અનસૂયા, પિતા અત્રિને ત્યાં જન્મ્યા. આ ઉલ્લેખ મહાભારતમાં પણ છે.

શાંડિલ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુએ ખુશ થઇને પુત્ર માટે તપ કરતા અત્રિ ઋષિના ઘેર અનસૂયા માતાના પુત્ર તરીકે જન્મવાનું કબૂલ્યું. તે ફળસ્વરૂપે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો.
ગુરુ દત્તાત્રેયે પોતાની તપોભૂમિ તરીકે ગિરનારને પસંદ કરી. તેથી ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે ભગવાન દત્તાત્રેય જ ગણાય. જો તમે ગિરનાર ચડ્યા હશો તો ગિરનારના પાંચમા શિખર ઉપર ભગવાન દત્તનાં પગલાં અવશ્ય જોયાં હશે. પૂજ્યાં પણ હશે. આજે પણ લોકો છાતી ઠોકીને કહે છે કે, “જે નિર્મળ ચારિત્ર્યની વ્યક્તિ હોય, પાપરહિત હોય, પૂર્વજન્મના યોગી હોય, તપોભંગ મુનિ હોય, જેનો ધ્યેય ખૂબ ઊંચો હોય તેવા તપસ્વી પ્રકારના લોકોને ભગવાન દત્ત કોઇ ને કોઇ સ્વરૂપે ગિરનારમાં અવશ્ય મળી જાય છે. જ્ઞાની મનુષ્ય તેમનો ઓળખી જાય છે. સંસારીને તેમના ગયા પછી અહેસાસ થાય છે કે હમણાં ગયા તે જ ભગવાન દત્તાત્રેય હતા.”

એક માન્યતા એવી છે કે ભવનાથની તળેટીમાં દર વર્ષે જે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે તેના છેલ્લા દિવસે નાગા બાવાનાં સરઘસ નીકળે છે. આ સરઘસમાં ગુરુ દત્તાત્રેય તથા મહાભારતના અમર યોદ્ધા અશ્વત્થામા અચૂક રીતે કોઇ ને કોઇ સ્વરૂપે જોડાય છે. ઘણાં પવિત્ર સ્ત્રી પુરુષને તેમનાં દર્શન અવશ્ય થાય છે. જે વ્યક્તિ ગિરનારની પરિક્રમા કરે છે તે વ્યક્તિ દત્ત ઉપાસક ન હોવા છતાં મહાન દત્ત ઉપાસક ગણાય છે.

ભારતમાં મુખ્ય દત્તાત્રેય ભગવાનનાં મંદિરોમાં કુરવપુર, નૃસિંહવાડો, ઔદુંબર, અક્કલકોટ, કારંજા, માહુરગઢ, માણેકનગર ખાતે આવેલાં છે. વડોદરામાં તો એકમુખી દત્તાત્રેય તથા ત્રિમુખી દત્તાત્રેયનાં મંદિર પણ છે. જેમ કે વાડી દત્ત મંદિર, સ્વામી સમર્થ સંસ્થાન, ડાંડિયાબજાર, તારકેશ્વર, નીલકંઠેશ્વર, દત્ત મંદિર, ત્રિમુખી દત્ત મંદિર આ બધાં જ દત્ત મંદિર જોવાલાયક છે.

ભગવાન દત્તના સ્વરૂપોમાં એકમુખી તથા ત્રિમુખી સ્વરૂપ બહુ જ પ્રચલિત છે. મહાભારત, પુરાણો તથા ઉપનિષદોમાં એકમુખી દત્તાત્રેય જોવા મળે છે. ઉત્તરકામિકાગમ, રૂપાવતાર, રૂપમંડનમાં ત્રિમુખી દત્ત જોવા મળે છે. જેમાં ત્રિમુખી દત્તાત્રેયને છ હાથ છે. જેમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂલ જોવા મળે છે. •

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like