‘આ શું બકવાસ ચાલી રહ્યો છે?’ કોચ લેહમેન માટે આ શબ્દો વરદાન બન્યા

જોહાનિસબર્ગઃ બોલ ટેમ્પરિંગ મામલામાં ઓસ્ટ્રેલિયન કોચ ડેરેન લેહમેન બચી ગયો. જોકે વીડિયો દ્વારા આખી દુનિયાએ તેને ૧૨મા ખેલાડી પીટર હેન્ડ્સકોમ્બને સંદેશ આપતા જોયો હતો, પરંતુ તેના દ્વારા સંદેશમાં કહેવામાં આવેલા છ શબ્દોએ તેને બચાવી લીધો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે લેહમેનને બોલ ટેમ્પરિંગ અંગે જોઈ જાણકારી નહોતી.

જોકે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે લેહમેને આ મામલા પર પડદો પાડવાની કોશિશ કરી હતી. ટીવી ફૂટેજમાં દેખાડવામાં આવ્યું હતું કે લેહમેને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન બેનક્રોફ્ટને બોલ પર પોતાના ખિસ્સામાંથી સેન્ડપેપર કાઢીને બોલ પર ઘસતા જોઈ લીધા બાદ તેણે ૧૨મા ખેલાડી હેન્ડ્સકોમ્બને સંદેશ મોકલ્યો હતો, પરંતુ સીએના પ્રમુખ જેમ્સ સદરલેન્ડે તેને બચાવ કર્યો.

સદરલેન્ડનો દાવો છે કે કેપટાઉનના મેદાનમાં લાગેલી મોટી સ્ક્રીન પર બેનક્રોફ્ટ બોલ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો ત્યારે લેહમેન પણ એટલો જ અચંબિત હતો, જેટલા દર્શકો. સદરલેન્ડે સ્પષ્ટ કર્યું કે જ્યારે લેહમેને ૧૨મા ખેલાડી પીટર હેન્ડ્સકોમ્બને મેદાન પર બેનક્રોફ્ટને સંદેશ પહોંચાડવા મોકલ્યો ત્યારે વોકી ટોકી પર લેહમેને જે કહ્યું એના પરથી તેની નિર્દોષતાનો પુરાવો મળ્યો.

સદરલેન્ડે કહ્યું, ”ડેરેનના બચાવમાં હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે તેણે સંદેશ મોકલ્યો હતો કે ‘આ શું બકવાસ ચાલી રહ્યો છે?’ જોકે તેણે તેણે ‘બકવાસ’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો, બલકે અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ડેરેન આ મામલામાં સામેલ નહોતો અને તેને આ અંગે કોઈ જાણકારી નહોતી.”

દોષી ખેલાડીઓની માફી ઇચ્છે છે લેહમેન
લેહમેને ગઈ કાલે સ્વીકાર્યું કે સ્મિથ અને ડેવિડ વોર્નરથી મોટી ભૂલ થઈ છે, પરંતુ લેહમેને બધાને આગ્રહ કર્યો છે કે દોષી ખેલાડીઓ તરફ બધાએ માનવીય વ્યવહાર કરવો જોઈએ, કારણ તે તેઓ ખરાબ વ્યક્તિ નથી. લેહમેને જણાવ્યું, ”જે આ ગુનામાં સામેલ હતા તેમને બહુ જ ગંભીર સજા મળી છે અને તેઓ જાણે છે કે આનું પરિણામ ભોગવવું પડશે. તેઓએ એક મોટી ભૂલ કરી છે. કોચ તરીકે હું તેમના માટે દુઃખ અનુભવી રહ્યો છું. તેઓ પણ દુઃખી છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના અનુભવું છું.”

વધુમાં લેહમેને જણાવ્યું કે, ”બધાએ એ યાદ રાખવું જોઈએ કે આપણે બધાએ જિંદગીમાં એક ભૂલ તો કરી જ હોય છે. આ માનવીય પક્ષ છે. તેઓથી ભૂલ થઈ છે. તેઓ યુવાન છે અને આશા રાખું છું કે લોકો તેને ફરીથી તક આપશે.”

You might also like