ડાર્ક હોર્સ સાબિત થયો અજય દેવગણ

અજય દેવગણ જ્યારે ફિલ્મોમાં અાવ્યો ત્યારે તેનાં રૂપ-રંગ માટે તેની મજાક થતી હતી, પરંતુ અમિતાભ બચ્ચને જ્યારે તે સમયે અજયને ડાર્ક હોર્સ કહ્યો હતો. તે બિગ બીની કસોટી પર ખરો ઊતર્યો. અજયની પહેલી ફિલ્મ ‘ફૂલ અોર કાંટે’ની રિલીઝને લાંબો સમય થયો. અાટલી લાંબી ઇનિંગ્સ રમીને અજયે સાબિત કરી દીધું કે અા તેની લોકપ્રિયતા અને તેના જાદુની અસર છે.

અજય દેવગણના ઘરનું નામ રાજુ છે. ફિલ્મમાં લોન્ચ કરતાં પહેલાં વીરુ દેવગણ પુત્ર અજયને મહેશ ભટ્ટ પાસે લઈ ગયો હતો ત્યારે મહેશ ભટ્ટે કહ્યું હતું કે તેની અાંખોઅે ઘણું બધું પોતાની અંદર છુપાવી રાખ્યું છે, તેનાથી વીરુ દેવગણનો ઉત્સાહ ખૂબ વધી ગયો હતો. ‘ફૂલ અોર કાંટે’ યશ ચોપરાની લમ્હેંની સાથેસાથે જ રિલીઝ થઈ હતી. લમ્હેંમાં અનિલ કપૂર અને શ્રીદેવી જેવા સ્ટાર હતા, છતાં પણ અજયની ફિલ્મે લમ્હેં સામે જોરદાર ટક્કર ઝીલી અને સફળ થઈ. અજય દેવગણનું અસલી નામ વિશાલ છે. અજયની માતાઅે તેને ખતરનાક સ્ટન્ટ કરવા પ્રતિબંધ મૂક્યો હતો. અજયે તેની માતાને વાયદો કર્યો કે તે અામ ક્યારેય નહીં કરે. હવે તે સ્ટન્ટ સીન કરવામાં ખૂબ જ સાવધાની રાખે છે.

અજય દેવગણે ‘પ્લેટફોર્મ’, ‘સંગ્રામ’, ‘શક્તિમાન’, ‘બેદર્દી’, ‘કાનૂન’ જેવી એક્શન ફિલ્મો કર્યા બાદ મહેશ ભટ્ટની ફિલ્મ ‘જખ્મ’થી યુ ટર્ન માર્યો. ત્યાર બાદ તે બેસ્ટ અભિનેતા મનાવવા લાગ્યો. તેણે કોમેડી પણ કરી. ‘ઇશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’, ‘હલચલ’ અને ‘ગુંડારાજ’ જેવી ફિલ્મો દરમિયાન અજય અને કાજલ એકબીજાની નજીક અાવ્યાં અને બાદમાં લગ્ન કરી લીધાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંજય દત્ત અને સલમાન ખાન અજયના બેસ્ટ ફ્રેન્ડ છે. થોડા સમયમાં અજયની ‘શિવાય’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. •

You might also like