દરિયાપુરમાં તંબુ ચોકી પાસેથી ૧૫ દેશી બોમ્બ મળી અાવ્યા

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે તેમજ દિવાળીના તહેવારને પણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયે ભાંગફોડિયાં તત્ત્વો શહેરના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં ૧૫ દેશી બોમ્બને કચરા પેટીમાં મૂકીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દરિયાપુર વિસ્તારમાં આવેલી તંબુ પોલીસચોકીની પાછળ કચરા પેટીમાંથી વહેલી સવારે સફાઇ કામદારને બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી ગઇ છે.

પોલીસસૂત્રોનાં જણાવ્યા અનુસાર દરિયાપુર વિસ્તારમાં આવેલી તંબુ પોલીસચોકી પાસે એક મહિલા સફાઇ કામદાર વહેલી સવારે કામ કરી રહી હતી ત્યારે પોલીસ ચોકીની પાછળ કચરા પેટીમાંથી તેને તમાકુના ડબામાં શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મહિલાને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઇ પોલીસે કચરાપેટીમાં તપાસ કરતાં તેમાંથી ૧૫ દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા હતા.

કચરાપેટીમાંથી ૧૫ દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા હોવાના સમાચાર ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ અને દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને થતાં તે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અતિસંવેદનશિલ વિસ્તારમાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે બોમ્બને જોવા માટે કેટલાક લોકો રોડ પર આવી ગયા હતા. બોમ્બ મળી આવેલા વિસ્તારને પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર ભાંગફોડિયાં તત્ત્વોએ તમાકુના ડબામાં વિસ્ફોટક, ખીલીઓ તેમજ કાચના ટુકડા ભરીને દોરીથી ટાઇટ બંધ કરી દીધો હતો અને એક દિવેટ ડબાના ઢાંકણા પર ભરાવી હતી. બોમ્બ સ્ક્વોડ ટીમે દેશી બોમ્બની ચકાસણી કર્યા બાદ તેને એફએસએલ ખાતે લઇ જવામાં આવ્યા છે. તમાકુના ડબામાં મળી આવેલ ચીજવસ્તુઓ વિસ્ફોટક છે કે કોઇ અન્ય ચીજવસ્તુ છે તે મામલે એફએસએલની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસની પ્રાથમિક તપાસમાં ભાંગફોડિયાં તત્ત્વોનું બોમ્બ વિસ્ફોટ કરવાનું આયોજન હોય તેવું લાગી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચારેય બાજુએ ચૂંટણીનો માહોલ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે ભાંગફોડિયાં તત્ત્વોએ આયોજન કર્યું હોય તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે. હાલ તો બોમ્બ વિસ્ફોટ થાય તે પહેલાં પોલીસે તમામ બોમ્બને ડિસ્ટ્રોય કરી દીધા છે. હાલ તો સંવેદનશીલ વિસ્તારમાં ગુનાઈત પ્રવૃત્તિ આચરીને કોમી જૂથ અથડામણ કરાવવાનું કાવતરું ઘડીને આ બોમ્બ મુકાયા હોય તેવું લાગી રહ્યું છે.

બોમ્બ મૂકનાર કોણ છે તે શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની સુરક્ષા એજન્સીઓએ તેમજ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે તંબુ ચોકી પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે ભાંગફોડિયાં તત્ત્વોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like