દાણીલીમડામાં પરોઢિયે બે સહેલી આપઘાત કરવા ફરતી હતી!

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી બે દિવસ પહેલાં વહેલી સવારે આત્મહત્યા કરવાના ઇરાદે નીકળેલી બે ‌વિદ્યા‌ર્થિનીને પોલીસે બચાવી લીધી છે. ગત શનિવારે રાજકોટમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી આ બંને ‌વિદ્યા‌ર્થિનીઓ પાસેથી ચેકિંગ દરમિયાન મોબાઇલ ફોન મળી આવ્યા હતા જેના કારણે બંને ‌વિદ્યા‌ર્થિનીઓ નાસી ગઇ હતી અને ઝેર પીને આત્મહત્યા કરવા માટેનો નિર્ણય લીધો હતો.

નાસિકમાં રહેતી હિંદુ બિલ્ડરની પુત્રી મીના અને જામનગરમાં રહેતી મુસ્લિમ વેપારીની પુત્રી નૂર રાજકોટ શહેરમાં ધો.૧રમાં સાયન્સ અને કોમર્સમાં ભણે છે અને પાઠક હોસ્ટેલમાં સાથે રહે છે. હોસ્ટેલમાં મોબાઇલ રાખવો માટે પ્રતિબંધ હોવા છતાંય મીના અને નૂર પાસેથી ચેકિંગ દરમિયાન મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી હોસ્ટેલના ડીને બંને ‌વિદ્યા‌ર્થિનીઓનાં માતા પિતાને બોલાવવા માટે કહ્યું હતું. માતા પિતા આવશે તે ડરથી ગભરાયેલી મીના અને નૂરે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને તે જ દિવસે બંને હોસ્ટેલમાંથી ભાગી ગઇ હતી હોસ્પિટલથી ભાગી ગયા બાદ સૌ પહેલાં બંને સુરેન્દ્રનગર આવી હતી અને ત્યાર બાદ ટ્રેનમાં બેસીને મુંબઇ જતી રહી હતી.

મુંબઇથી ટ્રેનમાં તેઓ પુણે ગઇ અને પછી પુણેથી પરત અમદાવાદ આવી ગઇ હતી. નૂર શાહઆલમ વિસ્તારથી પરિચિત હતી. બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ તે પહેલાં શાહઆલમની દરગાહમાં માથુ‌ં ટેક્યા બાદ મેડિકલ સ્ટોરમાં ઝેર ખરીદવા માટે ફરી હતી. જોકે રવિવાર હોવાથી મેડિકલ સ્ટોર બંધ હતો. જેથી બીજા દિવસે વહેલી સવારે ઝેર પીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એલ.પટણીએ જણાવ્યું હતું કે રાતવાસો કરવા માટે બંને કિશોરીએ એક મસ્જિદમાં ગઇ હતી. જોકે તેમને સૂવા માટે મસ્જિદમાં જગ્યા નહીં મળતાં બંને ચાલતાં ચાલતાં દાણીલીમડા સુધી પહોંચી ગઇ હતી ત્યારે દાણીલીમડા પોલીસે તેમની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને યુવતીઓનું અપહરણ થયું હોવાની ફરિયાદ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. દાણીલીમડા પોલીસે બંને કિશોરીનો કબજો રાજકોટ પોલીસને સોંપ્યો છે.
(પાત્રોનાં નામ બદલેલાં છે.)

You might also like