જોખમી કચરાનો પ્રોજેક્ટ પણ જોખમમાં!

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા તથા મહીસાગર જિલ્લાની સરહદે સીમલિયા વિસ્તારમાં ઝેરી કેમિકલયુક્ત કચરો ઠાલવવાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવનાર હોઈ બંને જિલ્લાનાં કેટલાંક ગામની પ્રજાએ સરકાર સામે મોરચો માંડ્યો છે.

આ વિસ્તારના રહીશોના કહેવા મુજબ બાયડ તાલુકાના ગાબટ તથા મહીસાગર જિલ્લાનો સરહદી વિસ્તાર કુદરતી રીતે હર્યોભર્યો છે, પરંતુ અહીં સરકાર દ્વારા ૧૦૦ વીઘા જમીન એકત્ર કરીને જોખમી કચરો ઠાલવવાનો પ્રોજેક્ટ ધી ગ્રીન એન્વાયર્નમેન્ટ સર્વિસીસ કો-ઓપ. સોસાયટીના નામે મંજૂર કરાયો છે. જો આ પ્રોજેક્ટ અહીં સ્થપાશે તો કુદરતી સંસાધનો ઉપરાંત માનવજાત અને પશુ-પંખીઓ માટે પણ અત્યંત જોખમ ઊભું થશે.

આ ઉપરાંત અહીં જોખમી કચરો ઠાલવવા માટે જિલ્લાના માર્ગો પરથી પસાર થનારાં ટેન્કર કે કન્ટેનરો પણ જોખમ સર્જશે તેવી ભીતિ દર્શાવાઈ રહી છે. આથી જ આ વિસ્તારનાં ૪પ જેટલાં ગામલોકોએ રણજિતપુરા ગામે એક્ઠા થઈને પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવાની કાર્યવાહી સામે વિરોધ કરીને રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્ય સહિત વિવિધ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરાઈ હોવાનું બાયડ તાલુકા પંચાયત સદસ્ય નવલસિંહ બારિયાએ જણાવ્યું હતું.

ગ્રામજનોનો આક્રોશ જોતાં જોખમી કચરાનો આ પ્રોજેક્ટ જ જોખમમાં મુકાશે તેવું લાગી રહ્યું છે. સરકારે લોકોની લાગણીને ધ્યાને લઈને યોગ્ય નિવેડો લાવવો જોઈએ તેવી માગ થઈ રહી છે.

You might also like