દાંડી હેરિટેજ પ્રોજેક્ટ નામ બડે દર્શન છોટે…

મહાત્મા ગાંધીએ આદરેલા મીઠાના સત્યાગ્રહથી નવસારી જિલ્લાનું દાંડી ગામ વિશ્વભરમાં જાણીતું બન્યું હતું. આજેય દેશવિદેશથી લોકો દાંડીની મુલાકાતે આવે છે, પરંતુ જે રીતે ગાંધીઆશ્રમનો વારસો સચવાયો છે એટલું મહત્ત્વ દાંડીને અપાયું ન હોઈ ગાંધીજીના ચાહકો અહીં આવતાં જ નિરાશા થાય છે.

૧૨ માર્ચે ગાંધીજીની દાંડીયાત્રાને ૮૬ વર્ષ પૂર્ણ થયાં. ૧૯૩૦માં ગાંધીજીએ આદરેલા મીઠાના સત્યાગ્રહને કારણે દાંડી વિશ્વભરમાં જાણીતું બન્યું હતું. દુનિયાભરમાંથી દાંડીની મુલાકાતે આવનારા લોકો તેના ઐતિહાસિક મહત્ત્વ ઉપરાંત ગાંધીજીના સત્ય અહિંસાના વિચારોથી પ્રભાવિત હોય. વળી દાંડીયાત્રા વિશે જે સાહિત્ય તેમણે વાંચ્યું હશે તે આધારે દાંડી વિશે તેમના મનમાં એક ચોક્કસ છબિ બની હશે.

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે બાપુએ વપરાશમાં લીધેલી ચીજવસ્તુઓ સચવાયેલી છે. આશ્રમની મુલાકાતે આવનારાઓ આજે પણ બાપુની એ ચીજવસ્તુઓ જોઈને ગદ્ગદ થઈ જાય છે, પરંતુ ગાંધીઆશ્રમની તુલનાએ દાંડીના ઐતિહાસિક વારસાની જાળવણી અને વિકાસ યોગ્ય રીતે ન થયો હોવાથી અહીં મુલાકાતે આવનાર લોકોમાં નિરાશા વ્યાપે છે.

૨૦૦૫માં દાંડીયાત્રાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હાજર રહેલા તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંઘે દાંડીનો ઐતિહાસિક વારસો જાળવી રાખવા ૮૪ કરોડની દાંડી હેરિટેજ યોજના તથા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધીના ૩૯૦ કિલોમીટરના માર્ગને દાંડી હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાની બે અલગઅલગ યોજનાઓની જાહેરાત કરી હતી. જેની પાછળ અંદાજિત રૂપિયા ૨૫૦૦ કરોડ જેવી માતબર રકમ ખર્ચવાનું પણ જાહેર કરાયું હતું.

આ બંને યોજનાઓની જાહેરાતને ચાલુ વર્ષે ૧૨ માર્ચના રોજ ૧૧ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ યોજનાઓની હાલની પ્રગતિ જોતાં દુઃખ સાથે કહેવું પડે કે યોજનાઓની જાહેરાત પછી તેનું અડધું કામ પણ હજુ થયું નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના લબડધક્કે ચડેલા આ બંને પ્રોજેક્ટ એક દાયકાથી પણ વધુ સમય વીતવા છતાં અધૂરા છે. તેની પાછળનાં કારણો જાણતા પહેલાં પ્રોજેક્ટ વિશે સામાન્ય સમજણ મેળવી લઈએ.

દાંડી હેરિટેજ પ્રોજેક્ટ
૨૦૦૫માં દાંડીયાત્રાને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તત્કાલીન વડા પ્રધાને દાંડી ગામના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને મીઠાના સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગથી લોકો વાકેફ થાય તે હેતુથી ૮૪ કરોડના દાંડી હેરિટેજ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દાંડીમાં મીઠાના સત્યાગ્રહનું આબેહૂબ દૃશ્ય ખડું કરવાનું તથા ૧૫ એકર જમીન પર દાંડી સ્મારક ઊભું કરવાનું પણ આયોજન હતું.

આખા પ્રોજેક્ટને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. એક ભાગમાં ગાંધીજી અને તેમના ૮૦ સાથીદારોની પ્રતિમા બનાવવાનું જ્યારે બીજા ભાગમાં દાંડીપથ, કૃત્રિમ તળાવ, સૉલર પેનલ તથા અન્ય જરૂરી સાધનો મૂકવાનું નક્કી કરાયું છે. પ્રોજેક્ટની શરૂઆત સારી રહી હતી. આઈઆઈટી મુંબઈને સ્મારકની ડિઝાઈન, પૂર્વતૈયારીઓ તથા આયોજનની જવાબદારી સોંપાઈ હતી. ૨૦૧૩ના અંતમાં આ માટે એક વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીજીના સાથીદારોનાં શિલ્પ બનાવવા માટે દેશભરમાંથી કળા અને શિલ્પને લગતી વિવિધ શાળા-કૉલેજોના શ્રેષ્ઠ શિલ્પકારો ઉપરાંત કેટલાક વિદેશી કલાકારોને આમંત્રિત કરાયા હતા. કલાકારો ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો તેમજ આઝાદીકાળના વાતાવરણને સારી રીતે સમજી શકે તે માટે વિવિધ ટૉક-શો અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો અને શ્રીલંકા, અમેરિકા, જાપાન, ઈંગ્લેન્ડ, મ્યાનમાર અને તિબેટ સહિતના દેશોના ઉત્કૃષ્ટ કલાકારોએ રસ દાખવ્યો હતો.

ગાંધીજીના સાથીઓનાં શિલ્પો મુકાશે
પ્રોજેક્ટમાં ગાંધીજીની પ્રતિમા સૌથી મહત્ત્વની છે. પંચધાતુમાંથી બનેલી બાપુની પ્રતિમા ૧૫ ફૂટ ઊંચી અને ૩૨ ટન વજન ધરાવે છે. જેની અંદાજિત કિંમત ૫૦ લાખ જેટલી થવા જાય છે. દાંડી સ્મારકમાં લાઈટના પિરામિડ વચ્ચે ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે તેમના ૮૦ સાથીઓનાં શિલ્પ મૂકવામાં આવશે. ગાંધીજીનું મુખ્ય શિલ્પ સૉલર પેનલ નીચે મૂકવામાં આવશે. રાત્રે પિરામિડની લાઈટ મીઠાના સ્ફટિકની રચના કરશે.

બીજા ભાગમાં સમગ્ર પ્રોજેક્ટના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દાંડીપથ, કૃત્રિમ તળાવ, સૉલર પેનલ તથા અન્ય જરૂરી સાધનો મૂકવાનું આયોજન છે. ઉપરાંત દાંડીયાત્રાનું સ્મરણ કરાવતાં કેટલાંક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે.

બીજી મહત્ત્વની યોજના એટલે અમદાવાદના સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધીના રૂટને હેરિટેજ તરીકે વિકસાવવાની. કુલ ૩૯૦ કિમી.ના રસ્તે ગાંધીજી અને તેમના સાથીદારો પગપાળા દાંડી પહોંચ્યા હતા. આ રૂટ પરનાં અનેક ગામ એવાં છે જ્યાં ગાંધીજીએ સભા સંબોધી હતી અથવા રાત્રિરોકાણ કર્યું હતું. સરકાર આ ગામોની ઓળખવિધિ કરીને તેને મુખ્ય રસ્તા સાથે જોડવા માગે છે. ગાંધીજીએ જે ૨૨ જગ્યાઓએ રાત્રિરોકાણ કરેલું ત્યાં પણ સ્મારક બનાવવાનું આયોજન છે.

પ્રોજેક્ટની ગતિ અત્યંત ધીમી
આ તો થઈ દાંડી પ્રોજેક્ટ અને દાંડી હેરિટેજ રૂટના આયોજનની વાત. સવાલ એ છે કે આયોજનના એક દાયકા બાદ આ બંને પ્રોજેક્ટની સ્થિતિ શું છે? પહેલાં વાત દાંડી ગામમાં આકાર પામી રહેલા દાંડી સ્મારક પ્રોજેક્ટની. ૨૦૧૫માં રજૂ થયેલા કેગના રિપોર્ટ પ્રમાણે રૂ.૨૦.૪૩ કરોડનો ખર્ચ કર્યા પછી પણ આ પ્રોજેક્ટ અધૂરો છે. સમગ્ર પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૧માં પૂર્ણ કરવાનો હતો પણ આજની તારીખે તે ક્યારે પૂર્ણ થશે તે કહી શકાય તેમ નથી. કેગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટના અમલની કામગીરી ૨૦૧૦માં વર્કઑર્ડર દ્વારા ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતને સોંપાઈ હતી.

રૂ.૧૧.૮૪ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરે નવેમ્બર ૨૦૧૧ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનાં હતાં. પણ કેગે આ કામગીરીની તપાસ કરતાં અનેક ખામીઓ જોવા મળી હતી. કેગના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જો આ કામ યોગ્ય રીતે પૂર્ણ થયું હોત અને પ્રોજેક્ટનો અમલ બરાબર થયો હોય તો તે પ્રવાસન ઉદ્યોગ માટે મહત્ત્વનો સાબિત થાત. પણ કમનસીબે એવું થઈ શક્યું નથી અને પ્રોજેક્ટ પાછળ ખર્ચાયેલા રૂપિયા પણ પાણીમાં ગયા છે.

સ્ટેચ્યૂ તૈયાર થઈ રહ્યાં છે
અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી દાંડીમાં લોકભાગીદારીથી વિકાસનાં કામો કરતાં કાળુભાઈ ડાંગર કહે છે, “સમગ્ર પ્રોજેક્ટમાં રૂ.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાંધીજીનું સ્ટેચ્યૂ મુખ્ય છે. હજુ ગયા વર્ષે જ અહીં મૂકવામાં આવેલું આ સ્ટેચ્યૂ ૧૫ ફૂટ ઊંચું અને ૩ ટન વજન ધરાવે છે. સરકાર દ્વારા આ સ્ટેચ્યૂ ૩૫ મીટરના એક ટાવરની નીચે મૂકવાની યોજના છે. જેના પર સૉલર પેનલ લગાવેલી હશે અને પ્રકાશના કારણે મીઠાના સ્ફટિકનો આકાર ધારણ કરશે. આ કામ ૨૦૧૧માં પૂર્ણ કરવાની વાત હતી પણ હજુ થયું નથી. કુલ ૧૫ એકર જમીન પર આ પ્રોજેક્ટ છેલ્લા એક દાયકાથી આકાર લઈ રહ્યો છે પણ પૂર્ણ થયો નથી. ગાંધીજીનું સ્ટેચ્યૂ અહીં મુકાઈ ગયું છે પણ તેમના ૮૦ સથીદારોમાંથી માત્ર ૪૦ સાથીદારોનાં સ્ટેચ્યૂ અહીં મુકાયાં છે, બાકી ૪૦નાં સ્ટેચ્યૂ હજુ તૈયાર થઈ રહ્યાં છે.”

હેરિટેજ રૂટ પણ નિર્માણ હેઠળ
આ પ્રોજેક્ટ માટે રચાયેલી કેન્દ્રીય હાઈ લેવલ દાંડી મેમોરિયલ કમિટીના ઉપપ્રમુખ ડૉ. સુદર્શન આયંગર દાંડી હેરિટેજ રૂટની કામગીરી અને ખર્ચ વિશે સમજણ આપતાં જણાવે છે કે, “આ પ્રોજેક્ટ બે હજાર કરોડ રૂપિયાથી વધુનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે સત્ય નથી. વળી હેરિટેજ રૂટ વિકસાવવાનો ઉદ્દેશ દાંડીયાત્રા જ્યાંથી પસાર થઈ હતી તે રૂટને ઓળખીને તેને મુખ્ય રસ્તા સાથે લિંકઅપ કરી ઇતિહાસને જાળવી રાખવાનો છે, કારણ કે અમદાવાદથી દાંડી સુધીનો રસ્તો તો છે પણ ગાંધીજી જ્યાંથી ચાલ્યા હતા તે માર્ગોને ઓળખી કાઢીને તેને મુખ્ય રસ્તાઓ સાથે જોડવાનું કામ આ પ્રોજેક્ટમાં છે.

કેટલીક જગ્યાએ તો ગાંધીજી ખેતરોમાંથી કે નદીના પટમાંથી ચાલીને ગયા હતા જ્યાં આજે પાણી ભરેલું છે અથવા કોઈની માલિકીની જમીન છે. આવી જગ્યાએ પહોળો મોટો રોડ બનાવી ન શકાય. આવા સ્થળે હાલ પાટિયા પર લખાણ દર્શાવાયું છે. મોટાભાગના રસ્તાઓના જોડાણનું કામ થઈ ગયું છે. તમામ ૨૨ સ્થળો કે જ્યાં ગાંધીજી રાત રોકાયા હતા ત્યાં દાંડીકુટિર તૈયાર થઈ ગઈ છે.

જ્યાં કોઈ વ્યક્તિ દાંડીયાત્રાના રૂટ પર પગપાળા જવા ચાહે તો તે રાત્રિરોકાણ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. આ પ્રોજેક્ટમાં અંદાજિત ૩૮-૪૦ કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્ર સરકારે ગુજરાત ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને હેરિટેજ રૂટની કામગીરી સોંપી હતી જે હવે પૂર્ણ થવામાં છે.”

આ તરફ અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમના સંચાલક અમૃતભાઈ મોદી દાંડી હેરિટેજ રૂટ મામલે જુદો જ મત વ્યક્ત કરતા જણાવે છે કે, “દાંડીયાત્રા વખતે પાકા રોડ હતા નહીં. ગાંધીજી અને તેમના સાથીદારો કેડીઓ પર ચાલીને દાંડી પહોંચ્યા હતા. હેરિટેજ એ કહેવાય જે યથાતથ સ્થિતિમાં જળવાઈ રહે. અહીં તો દાંડીયાત્રાના રૂટની જગ્યાએ રોડ બની રહ્યો છે. હકીકતે અહીં આવનાર લોકો માટે પગપાળા ચાલી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

પાકો રસ્તો બને તો પણ ચાલીને જઈ શકાય તેવી સગવડ પણ હોવી જોઈએ. અહીં તો મોટાં વાહનો માટે રસ્તો બનશે પણ પગપાળા જનાર માટે કોઈ વ્યવસ્થા નહીં થાય. હું રોડનો વિરોધ નથી કરતો પણ મને પાકા રોડની જરૂર લાગતી નથી. માર્ગને યથાતથ સ્થિતિમાં જાળવવો જોઈએ. ઇતિહાસ રચનાર રચી ગયા. આપણે તેને એ જ સ્થિતિમાં જાળવવો જોઈએ.”

રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી
સરકારી રાહે જ્યારે કોઈ કામ હાથ ધરાતું હોય ત્યારે તેમાં અનેક વિભાગો અને અધિકારીઓની મંજૂરી લેવી પડતી હોય છે. મોટાભાગનો સમય આવી મંજૂરી લેવામાં જ વ્યય થતો હોય છે. આખી પ્રક્રિયા ભારે અટપટી હોય છે. દાંડીયાત્રા અને ગાંધીવિચારના અભ્યાસુ ડૉ.વિદ્યુત જોષી દાંડી હેરિટેજ રૂટની કામગીરી સમજાવતાં કહે છે, “આખા પ્રોજેક્ટનો અમલ જે તે જિલ્લાના કલેક્ટર પાસે હોય છે. કલેક્ટરના હાથ નીચે કમિટી હોય છે તેને ગ્રાન્ટ ફાળવ્યા પછી પીડબલ્યુડી વિભાગ કામ આગળ વધારે છે. દાંડી આસપાસનાં ગામો કે જ્યાં ગાંધીજી રાત રોકાયા હતા ત્યાં અનેક ગામોમાં સરકારે નહીં પણ ગામલોકોએ ગાંધીકુટિર બનાવીને તે જગ્યાને સાચવી રાખી છે.

જેમ કે, મટવાડમાં દિલખુશ દીવાનજીનો આશ્રમ. આ આશ્રમમાં ગાંધીજી રાત રોકાયા હતા તેવું લખાણ અહીં જોવા મળે છે. આ આશ્રમને સરકારે નહીં પણ સ્થાનિકોએ જાળવી રાખ્યો છે.માંડવીમાં થોડું કામ થયું છે પણ હેરિટેજ રૂટનું કામ દેખાતું નથી. કામ થયું તો છે પણ, પૂર્ણ થવાને હજુ વાર લાગશે. હાલ આ પ્રોજેક્ટ નર્મદા યોજના જેવો છે. નર્મદા યોજના શરૂ થયાનાં કેટલાંક વર્ષ પછી અમે સરવૅ કરેલો ત્યારે તે ૧૯૯૨માં પૂરો થઈ જશે તેમ તારણો કહેતાં હતાં પણ આજની તારીખે નર્મદા યોજના પૂરી થઈ નથી. દાંડીના બંને પ્રોજેક્ટનું પણ એવું જ છે. આ માટે રાજકીય ઇચ્છાશક્તિ, ટેક્નિકલ સમસ્યાઓ ઉપરાંત રૂટમાં આવતી જમીનોના વિવાદ પણ કારણભૂત હશે.”

આ બંને પ્રોજેક્ટ પૂરા થાય ત્યારે ખરા. આમ પણ દાંડીમાં સ્મારક બને કે ન બને, અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો રસ્તો હેરિટેજ થાય કે નહીં તેનાથી ખરા ગાંધીપ્રેમીને કોઈ ફરક નથી પડવાનો. તેમના માટે તો સદાય ‘મારું જીવન એ જ મારો સંદેશ’નો ગાંધીવિચાર જ પ્રેરણાદાયી રહેવાનો. દાંડીના આ બે પ્રોજેક્ટમાં સરકારી રાહે થતાં કામોમાં કેવી ઢીલી નીતિ અને લાલિયાવાડી થતી હોય છે તેનો વધુ એક નમૂનો દેશવાસીઓને જોવા મળી રહ્યો છે.

આમ પણ આપણે ત્યાં સરકારી કામો અને સાચો ન્યાય એક દાયકાથી ઓછા સમયમાં મળવાની અપેક્ષા બહુ ઓછી હોય છે. ન્યાય માટે નીચલી કોર્ટથી શરૂ કરીને સુપ્રીમ કોર્ટ સુધીના ધક્કા ખાતી ન્યાય મેળવવા મથતી વ્યક્તિની આખેઆખી પેઢી બદલાઈ જાય, જે સરકારી કામોને પણ લાગુ પડે છે. લિસ્ટ લાંબું છે અને આઝાદીનો અલખ જગાવનાર દાંડીયાત્રાની ઐતિહાસિક ઘટના પાછળ બનતું સ્મારક પણ તેમાં ઉમેરાઈ ગયું છે.

આ પ્રોજેક્ટ બે હજાર કરોડ રૂપિયાથી વધુનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે સત્ય નથી. હેરિટેજ રૂટ વિકસાવવાનો ઉદ્દેશ દાંડીયાત્રા જ્યાંથી પસાર થઈ હતી તે રૂટને ઓળખી કાઢીને તેને મુખ્ય રસ્તા સાથે લિંકઅપ કરી ઇતિહાસ જાળવવાનો છે. : ડૉ. સુદર્શન આયંગર, ઉપપ્રમુખ, હાઈ લેવલ દાંડી મેમોરિયલ કમિટી

નરેશ મકવાણા

You might also like