નૃત્ય તાંડવમાં સમાયાં છે સર્જન ને સંહાર

શિવ તત્ત્વનું સૌમ્યરૂપ શંકર છે તેમ તેનું રુદ્રરૂપ ‘નટરાજ’ છે. શંકર એ કલ્યાણકારી રૂપ છે, જ્યારે નટરાજ એ સંહારકારી રૂપ છે. શિવનાં આ નૃત્યને તાંડવ નૃત્ય કહે છે. સમગ્ર બ્રહ્માંડમાં આ નટરાજ તાંડવ નૃત્ય કરી રહ્યા છે.

નટરાજનાં આ તાંડવ નૃત્યમાં તેમનાં એક હાથમાં સર્જનનો નાદ પેદા કરનારું ડમરું છે, તો બીજા હાથમાં સંહાર માટે અગ્રિજ્વાલાઓ છે. બાકીના બે હાથ સર્જન અને સંહારનું સંતુલન દર્શાવે છે. એમાંનો એક હાથ સંરક્ષણનું અભય વરદાન સૂચવે છે તો બીજો હાથ એક ઊંચા થયેલા પગ તરફ અંગુલિનિર્દેશ કરી માયામાંથી મુક્તિનો નિર્દેશ કરી રહેલ છે.

નટરાજના પગ તળે જે રાક્ષસ છે તે અંધકાર અને અજ્ઞાનનું પ્રતીક છે.સર્જન અને સંહારની આ તાલબદ્ધ ચાલતી શ્રેણીને દર્શાવવા તાંડવ નૃત્ય કરતા નટરાજનું પ્રતીક શા માટે અને શી રીતે સર્જાયું હશે? તેવો પ્રશ્ન ઊઠી આવે છે. આજના વિજ્ઞાનના યુગમાં શિવનું તાંડવ નૃત્ય એ અણુમાં રહેલ પરમાણુના ગતિબદ્ધ અને તાલબદ્ધ નૃત્યનું જ પ્રતીક છે.બીજી રીતે વિચારીએ તો તાંડવ નૃત્ય અને નટરાજ એ એકરૂપ છે. નૃત્ય, નટરાજ વગર શકય નથી. તે તેનાથી અલગ પણ રહી શકતું નથી.

શિલ્પકાર અને તેનું શિલ્પ, ચિત્રકાર અને તેનું ચિત્ર અલગ રહી શકે છે. ચિત્રકાર વગર પણ ચિત્ર રહી શકે. પરંતુ નટરાજ વગર નૃત્ય થઇ શકતું નથી, રહી શકતું નથી. નટરાજ અને નૃત્યનું તાદાત્મ્ય હોવાથી જ બ્રહ્માંડની આ શ્રેણીબદ્ધ અને તાલબદ્ધ સર્જન સંહારની પ્રક્રિયા દર્શાવવા નટરાજનું પ્રતીક સર્જવામાં આવ્યું હશે. આપણા દેશમાં શંકરની મૂર્તિનું જેમ પૂજન થાય છે તેમ શિવલિંગનું પણ પૂજન થાય છે. ભગવાન શંકરની મૂર્તિ એ સગુણ સાકારનું પ્રતીક છે. જ્યારે શિવલિંગ એ નિર્ગુણ નિરાકારનું પ્રતીક છે. શિવલિંગ એ કોઇ મૂર્તિ કે પ્રતિમા નથી. તે એક શુદ્ધ પ્રતીક છે.

આ શિવલિંગ એક પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે. એકનો આંકડો, એક ઇશ્વર, એક પરબ્રહ્મ એક અજ્ઞાત મહાશક્તિનો દ્યોતક છે. આ એક પરબ્રહ્મ પ્રતીક લિંગ, પ્રકૃતિ અને પુરુષના મિલનથી સમગ્ર વિશ્વનું સર્જન કરે છે. શિવલિંગ એટલે સમગ્ર સંસારના બધા જ છેડા છેલ્લે એક તત્વમાં ભળી જાય છે. આ તત્ત્વમાં વિરોધો પણ એક સાથે સ્થિત છે. એટલે જ પરમાત્માને પણ કહે છે.

આ એક પરમાત્મ તત્ત્વની શક્તિનો સ્વીકાર એટલે જ શિવલિંગ પૂજન. આપણા દેશમાં હિમાલયથી કન્યાકુમારી સુધી અને હાવડાથી ખાવડા (કચ્છ) સુધીના પ્રદેશમાં શિવલિંગો અને શિવાલયોની કોઇ સીમા નથી. આ દેશમાં અસંખ્ય શિવાલયો અને શિવલિંગો ઠેરઠેર જોવા મળે છે. આ આખો દેશ શિવમય છે.•

You might also like