ડાન્સરના રોલની રાહમાં અદા

વર્ષ ‘૧૯૨૦’ ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરનાર અદા શર્મા હિંદી ફિલ્મો કર્યા બાદ દક્ષિણ ભારતમાં સક્રિય થઇ. અહીં તેના લુક્સ તથા અભિનયની ખૂબ જ પ્રશંસા થઇ. તેની આગામી ફિલ્મોમાં ‘જગ્ગા જાસૂસ’ અને ‘કમાન્ડો-૨’ સામેલ છે. વાસ્તવિક જિંદગીમાં તે કેવી છે તે અંગે જણાવતાં તે કહે છે કે હું એક જ શબ્દમાં મારું વર્ણન ન કરી શકું. મને ટીવી જોવું ખૂબ જ ગમે છે. દરેક રિલીઝ ફિલ્મ જોવાનું હું ચૂકતી નથી. સાથે-સાથે મને પિયાનો વગાડવાનું પણ ગમે છે. ડાન્સ હંમેશાં મારી જિંદગીનો એક ભાગ રહ્યો છે. હું એક સાધારણ છોકરી જેવી છું.

અદા તેનાં માતા-પિતાની એકની એક પુત્રી છે. તેના પિતા નેવીમાં કેપ્ટન હતા. તેની માતા ડાન્સર હતી. એક એવોર્ડ ફંક્શનમાં અદાના બેલે ડાન્સનાં ખૂબ જ વખાણ થયાં. તેણે એક તેલુગુ ફિલ્મમાં પણ બેલે ડાન્સ કર્યો હતો. અદા કહે છે કે હું એવા ફિલ્મ નિર્માતાઓની રાહ જોઇ રહી છું, જેઓ મારી પાસે ડાન્સના રોલ લઇને આવે. મને ડાન્સરનો રોલ મળી જાય તો મારા માટે ખૂબ જ સારી બાબત હશે, કેમ કે ડાન્સ મારી જિંદગીનો ભાગ છે. મેં ડાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મેં યુ ટ્યૂબના વીડિયોમાંથી બેલે ડાન્સિંગ શીખ્યું છે અને ઇન્ટરનેટના માધ્યમથી મારું ડાન્સ કૌશલ્ય નિખારી રહી છું. અદા નવમા ધોરણમાં હતી ત્યારથી જ તેણે ફિલ્મોમાં આવવાનું નક્કી કરી લીધું હતું. દશમા ધોરણ બાદ તે કોલેજ ન ગઇ અને ઓડિશન આપવા લાગી.

home

You might also like