૨૪ કલાક પહેલાં જ ફેરા ફરીને આવેલા ધનંજયે ભારતના શ્વાસ અધ્ધર કરી દીધા…

પલ્લેકલઃ ગઈ કાલે ભલે ટીમ ઇન્ડિયા ત્રણ વિકેટે જરૂર જીતી ગઈ હોય, પરંતુ આ પ્રવાસમાં પહેલી વાર ભારતીય બેટિંગ પત્તાંના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ. શ્રીલંકાનો હીરો બનીને ઊભર્યો એક ઓફ સ્પિનર, જેણે એક પછી એક છ શિકાર (૫૪ રનમાં છ વિકેટ) કર્યા અને મહેમાનોની હાલત ખરાબ કરી નાખી. આ સાથે જ યુવા સ્પિનર અકિલા ધનંજય ચારે તરફ છવાઈ ગયો. મજાની વાત એ છે કે ધનંજયનાં લગ્ન ૨૪ કલાક પહેલાં જ થયાં હતાં અને હનીમૂન પર જવાના બદલે તે મેદાનમાં ઊતર્યો અને તેણે એક સમયે ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ કરી નાખી. એ તો ભલુ થજો ભુવી-ધોનીની જોડીનું કે જે સાત વિકેટે ૧૩૧ના સ્કોરથી ભારતીય ઇનિંગ્સને સાત વિકેટે ૨૩૧ સુધી લઈ ગઈ અને શ્રીલંકાના હાથમાંથી વિજયનો કોળિયો ઝૂંટવી લીધો. ધનંજયનાં લગ્ન ૨૩ ઓગસ્ટે કોલંબોમાં થયાં હતાં. તેણે પોતાની ગર્લફ્રેન્ડ નતાલી તેક્શિની સાથે લગ્ન કર્યાં.

ધનંજયે પોતાની વન ડે કરિયરની ચોથી જ મેચમાં આ ધમાકેદાર પ્રદર્શન કર્યું. ગઈ કાલની મેચ પહેલાં તેણે કુલ ત્રણ મેચમાં પાંચ જ વિકેટ ઝડપી હતી, હવે તેના ખાતામાં ૧૧ વિકેટ નોંધાઈ ગઈ છે. ધનંજય આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. ૨૦૧૩માં તેને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. ૧૦.૫ લાખમાં ખરીદ્યો હતો.

You might also like