આવી રીતે બદલાઈ ગઈ ગરીબ માંઝીની લાઈફ, મળ્યું નવું ઘર-નવી બાઈક-નવી વાઈફ

પૈસા ન હોવાના કારણે પત્નીની લાશને 10 કિમી સુધી ખભા પર નાખી સ્મશાન સુધી ચાલ્યા હોવાના કારણે ચર્ચામાં રહેલા ઓરિસ્સાના માંઝીનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક સમયે માંઝી પાસે પત્નીની લાશને સ્મશાન સુધી લઈ જવાના પણ પૈસા ન હતા અને હવે તેની પાસે નવું ઘર, નવું બાઈક અને નવી વાઈફ પણ છે.

સરકાર અને સામાન્ય લોકો પાસેથી મળેલી મદદના કારણે આજે માંઝીની ગરીબી દૂર થઈ ગઈ છે. તાજેતરમાં જ કાલાહાંડી જિલ્લાના ભવાનીપાટામાં હૉન્ડાનું નવું બાઈક ખરીદ્યું છે, જે તેણે 65000 રૂપિયામાં ખરીદ્યું છે. બાઈક ખરીદીને માંઝી તે જ રોડ પરથી પસાર થયો હતો, જ્યાં તે તેની પત્નીની લાશ લઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટમાં પૈસા ન હોવાના કારણે દાના માંઝી પોતાની પુત્રી સાથે પત્નીની લાશને લઈને 10 કિમી સુધી ચાલ્યો હતો. આ તસવીર સમાચારમાં આવ્યા પછી વિશ્વમાં તેની નોંધ લેવાઈ હતી.

માંઝીની આ તસવીર જોઈને ઘણા લોકોએ તેના પર દયા રાખી હતી. બહરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલીફાએ તેને 9 લાખ રૂપિયા આપ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તેને મકાન પણ બનાવી આપવામાં આવ્યું હતું.

એટલું જ નહીં માંઝીની ત્રણ પુત્રીઓ ભુવનેશ્વરની સ્કૂલમાં ભણે છે. આ સ્કૂલમાં બાળકીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. દાના માંઝીએ ફરીથી લગ્ન પણ કરી લીધા છે. માંઝીની હાલની પત્ની અલામતા પ્રેગનેન્ટ છે. જો કે માંઝી હાલમાં પણ ખેતી કરે છે.

You might also like