હવે માર્ગ અકસ્માતમાં ૧૦ ગણું વળતર આપવા કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી: સરકારે માર્ગ અકસ્માતમાં પીડિતોને આપવામાં આવતા લઘુતમ વળતરની રકમ ૧૦ ગણી વધારવાનો નિર્ણય કર્યો છે. હવે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો, ઘાયલો, કાયમી રીતે વિકલાંગ અને ખોડખાંપણ તેમજ નજીવી ઈજા માટે લોકોને ૧૦ ગણું વધુ વળતર મળશે. ૨૪ વર્ષ બાદ સરકારે વળતરની રકમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

માર્ગ અકસ્માતમાં વળતરની રકમમાં ૧૦ ગણો વધારો કરવાનો નિર્ણય કરતા પરિવહન મંત્રાલયે લોકોને વધુમાં વધુ વળતર માટે અકસ્માતના કેસને મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલ સમક્ષ લઈ જવાનો વિકલ્પ આપ્યો છે. આ નવા નિયમો હવે ટૂંક સમયમાં લાગુ પડાશે. નવા નિયમો અનુસાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ. પાંચ લાખ આપવામાં આવશે. જ્યારે જો અકસ્માતના કારણે વિકલાંગતા કે કાયમી ખોડખાંપણ રહી જાય તો રૂ. ૫૦,૦૦૦થી પાંચ લાખ સુધીનું વળતર આપવામાં આવશે અને તેમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ જોગવાઈ પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે કરવામાં આવી છે. દેશમાં દર વર્ષે ૧.૫ લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે અને પાંચ લાખથી વધુ લોકો ઘાયલ થાય છે. વળતરની રકમમાં વાહનમાલિક માટે થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારાનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મોટર વિહિકલ એક્ટમાં મૃત્યુ પર રૂ. ૫૦,૦૦૦ અને કાયમી વિકલાંગતા માટે રૂ. ૨૫,૦૦૦ આપવામાં આવે છે.

You might also like