દાણચોરી-નકલી ચીજવસ્તુનાં વેચાણથી સરકારને રૂ. 39,000 કરોડનું નુકસાન

મુંબઇ: દેશની સડકો પર થતા ૨૦ ટકા અકસ્માત નકલી માલ-સામાનના કારણે થાય છે. એટલું જ નહીં બજારમાં વેચાતા એક અંદાજ મુજબ ૩૦ ટકા એફએમસીજી ઉત્પાદન નકલી હોય છે. તેમ છતાં ૮૦ ટકા ગ્રાહક એવું માને છે કે તેઓ અસલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરી રહ્યા છે તેવું તાજેતરમાં ફિક્કી કાસ્કેડના એક રિપોર્ટમાં બહાર આવ્યું છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે માત્ર ગ્રાહકોને જ નહીં, પરંતુ સાંસદ અને તપાસ એજન્સીઓમાં પણ જાગરૂકતા વધારવાની જરૂરિયાત છે. નોંધનીય છે કે ફિક્કી કાસ્કેડ દાણચોરી અને નકલી ચીજવસ્તુઓના પ્રશ્ન સાથે કામ કરતું ઉદ્યોગ સંગઠન છે. નકલી ચીજવસ્તુઓના કારોબારના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

ઉદ્યોગ સંગઠનના જણાવ્યા પ્રમાણે દાણચોરી અને નકલી ચીજવસ્તુઓના કારણે ઉદ્યોગો, સરકાર, ઇકોનોમી અને ગ્રાહક તમામને અસર થાય છે. એટલું જ નહીં એક અંદાજ મુજબ સરકારને રૂ. ૩૯,૨૩૯ કરોડની આવક ગુમાવવી પડી રહી છે. રિપોર્ટમાં નકલી તમાકુ ઉત્પાદનથી રૂ. ૯,૧૩૯નું નુકસાન થાય છે, જ્યારે ગેરકાયદે મોબાઇલ ફોનના કારોબારથી રૂ. ૯,૭૦૫ કરોડની આવક ગુમાવવી પડે છે.

You might also like