દલિત વિદ્યાર્થી આત્મહત્યા વિવાદઃ રાહુલ ગાંધી હૈદરાબાદ જવા રવાના

હૈદરાબાદ: સેન્ટ્રલ યુનિવર્સિટી હૈદરાબાદ (એચસીયુ)માં પીએચડી કરી રહેલા ૨૬ વર્ષના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પર રાજકીય વિવાદ તેજ થઈ ગયો છે. રાહુલ ગાંધી હૈદરાબાદ જવા રવાના થઈ ગયા છે. તેઓ આજે યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને મળશે અને તેમની સમસ્યાઓ સાંભળશે. આ મામલે વિવાદમાં ઘેરાયેલા કેન્દ્રીય પ્રધાન બંડારુ દત્તાત્રેય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે આ ઘટના કતલ હોવાનું જણાવ્યું છે. વિપક્ષો દત્તાત્રેયની કેન્દ્રીય કેબિનેટમાંથી હકાલપટ્ટી કરવા માગણી કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્રના ગુંતુરમાં રહેતો દલિત વિદ્યાર્થી રોહિત સમાજશાસ્ત્રમાં પીએચડી કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત સહિત આંબેડકર યુનિયનના પાંચ દલિત સ્ટુડન્ટ પર ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના એક કાર્યકર પર ઓગસ્ટમાં હુમલો કર્યાનો આક્ષેપ હતો. યુનિવર્સિટીએ પ્રારંભિક તપાસમાં પાંચેયને છોડી મૂક્યા હતા, પરંતુ ૨૧ ડિસેમ્બરે તેમના હોસ્ટેલ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના વિરોધ અને આંબેડકર સ્ટુડન્ટ યુનિયનના સમર્થનમાં ૧૦ સંગઠનો રવિવારે ભૂખહડતાળ પર બેસી જઈને સસ્પેન્શન પરત લેવાની માગણી કરી હતી. દરમિયાન રવિવારે રોહિતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પાંચ પાનાંની આત્મહત્યા નોંધ મળી હતી.

આંબેડકર સ્ટુડન્ટ યુનિયનનો આક્ષેપ છે કે કેન્દ્રીય પ્રધાન દત્તાત્રેયે દલિત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા માટે એચઆરડી પ્રધાન સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો હતો. દત્તાત્રેય વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આજે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પણ હૈદરાબાદ યુનિવર્સિટીની મુલાકાત લેશે.

You might also like