દલિતો પરના અત્યાચાર હવે ક્યાં જઈને અટકશે?: એક વેધક સવાલ

ગુજરાતના ઉના પંથકના ચાર દલિત યુવાન પર ગૌહત્યા કર્યાના આરોપસર ગુજારવામાં આવેલા અમાનુષી અત્યાચારનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ગાજતાં આ મામલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સવાલ અે થઈ રહ્યો છે કે દેશમાં વર્ષોથી દલિતો પર થઈ રહેલ અત્યાચાર ક્યાં જઈને અટકશે? આ મામલે રાજ્યસભામાં ભારે ઊહાપોહ થતાં મામલો વધુ ગંભીર બની ગયો છે. તેમજ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ઠેરઠેર હિંસક ઘટના બની રહી છે.

રાજ્યસભામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ હતી. આ મામલે ફરી ચર્ચા થયા બાદ ગુજરાતમાં અનેક સ્થળોએ પથ્થરમારા અને આગજનીના બનાવો બન્યા હતા અને તેથી આ લડતની આગ વધુ પ્રસરી ગઈ હતી. ચંડીગઢના બસપાના નેતાઅે અેવું નિવેદન આપ્યું હતું કે દયાશંકરની જીભ કાપી લાવનારને પ૦ લાખનું ઈનામ મળશે. જ્યારે લખનૌમાં પણ આ મામલે ધરણાં કરનારા લોકોએ જ્યાં સુધી દયાશંકરની ધરપકડ નહિ થાય ત્યાં સુધી અમે ધરણાં ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું, જોકે આ અંગે પોલીસે અેમ પણ જણાવ્યું હતું કે અમે દયાશંકરને શોધી રહ્યા છીએ.તે હાલ ઘેરથી ભાગી ગયો છે. તેને ટૂંક સમયમાં જ પકડી પાડીશું અને બાદમાં માયાવતીઅે ૩૬ કલાકનાં ધરણાં રદ કરી દીધાં હતાં. માયાવતી સામેની ટીકા બદલ યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ રાજ બબ્બર પણ ધરણાં પર બેસી ગયા હતા.

આ મામલે માયાવતીઅે જણાવ્યું હતું કે લોકો મને દેવી માને છે અને તમારી દેવીને કોઈ કઈ કહે તો તમને ગુસ્સો તો આવે જ અે સ્વાભાવિક છે અને તેનાથી લોકો રોષે ભરાયા હશે. તમામ પક્ષના નેતાઓ અા મુદે ઉકેલ લાવવામાં સફળ થયા નથી અને હજુ પણ કદાચ નિષ્ફળ જાય તેમ લાગી રહ્યું છે, પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે કોઈ દલિત નેતા અથવા દલિત મહિલા વિરુદ્ધ કોઈ આવાં ઉચ્ચાણ કરે તો તેેનો અપરાધ બે ગણો વધી જાય છે, પરંતુ આવાં નિવેદન આપીને તમામ નેતા જો આરામથી બચી જાય તો તે કેવી રીતે ચલાવી શકાય? પરંતુ દયાશંકરે કરેલા નિવેદન બદલ તેમના પર કોઈ પ્રકારની દયા લાવી શકાય તેમ નથી.

દયાશંકરને પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા અને ઉત્તર પ્રદેશમાં તેમના સ્વાગત માટેની તૈયારી પણ થઈ ગઈ હતી, પરંતુ તેમણે માયાવતીની વિરુદ્ધ નિવેદન કરી તેમના સ્વાગત સમારોહને વિદાય સમારંભમાં ફેરવી નાખ્યો હતો અને તેમના ઘેરથી તેઓ ફરાર થઈ ગયા બાદ આ મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેના પડઘા હજુ પણ શાંત થયા નથી.

ગુજરાતના ઉના પંથકમાં ગૌરક્ષકોએ જે પ્રકારે દલિતો પર દમન ગુજાર્યું છે તે નવી વાત નથી. દેશનાં અનેક રાજ્યમાં દલિતોની હાલત આઝાદી પહેલાંના સમય જેવી જ છે તેવાે દલિતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય દેશમાં નંબર વન હોવાના દાવા વચ્ચે આજના સમયે પણ જો રાજ્યમાં આવા અત્યાચાર થતા હોય તો તેને કેટલા અંશે વાજબી ગણી શકાય?

ગુજરાતનાં અનેક અંતરિયાળ ગામમાં આજે પણ કેટલાક દલિતોની હાલત ખૂબ જ દયનીય હોવાના આ અંગેના થયેલા સરવે પરથી કેટલાંક દલિત સંગઠનો દાવા કરી રહ્યાં છે. જે કંઈ હોય તે પણ જ્યારે જ્યારે દલિતો પરના અત્યાચારનો મામલો આવે છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો તેનો જશ ખાટવા અથવા પોતાનો રાજકીય રોટલો શેકવા દલિતોના મુદાને આગળ ધરી મામલો થાળે પાડવાના બદલે બળતામાં ઘી હોમવાનું કામ કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

ગુજરાત અેકમાત્ર અેવું રાજ્ય ગણવામાં આવે છે કે જ્યાં દેશનાં અનેક રાજ્યના લોકો નોકરી કે ધંધા માટે અાવીને આરામથી રહી શકે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ આ રાજ્યમાં રહેતા અને અનેક વર્ષથી દમનનો સામનો કરી રહેલા દલિતોના મુદે કોઈ ચોક્કસ ઉકેલ લાવવાની દિશામાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવતાં નહિ હોવાના દલિતો અને દલિતોના વિકાસ અને તેમના રક્ષણ માટે કામ કરતાં સંગઠનોએ આક્ષેપ કર્યા છે.

ગુજરાત ઉપરાંત યુપી અને અન્ય કેટલાંક રાજ્યમાં પણ આવી હાલત હોવાની માહિતી મળી રહી છે ત્યારે હવે ખરેખર સમય પાકી ગયો છે કે દેશમાં વારંવાર દલિતો પર થતા અત્યાચાર અંગે ચોક્કસ પગલાં લેવાવાં જોઈઅે. આ મુદે રાજકારણ છોડી દલિતોને આવા દમનમાંથી છુટકારો કઈ રીતે મળી શકે? તે દિશામાં જો નક્કર પગલાં લેવામાં આવે તો તેનાં પરિણામ ચોક્કસ સારાં અને જે તે રાજ્યના હિતમાં રહેશે, પરંતુ કમનસીબે આવી પહેલ કોઈઅે કરી નથી.

You might also like