ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે ૪ કલાકે મંગળા આરતીમાં દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા કાલે સવારે ૯ કલાકે શ્રી ગોપાલ લાલજી મહારાજ ફૂળડોળમાં બિરાજશે. બીજી તરફ યાત્રા ધામ અંબાજીમાં પણ હોળી ધુળેટીના પર્વ નિમિતે આરતિ અને દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં પણ ઠાકોરજીને વિશિષ્ટ શુગર સાથે હોરી રસિયાના ગીતો ગવાશે અને કાલે કેસૂડાં વધાવાશે

ડાકોર રાજાધિરાજા શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર આજે વહેલી સવારના ૩.૪૫ કલાકે નિજ મંદિર ખૂલીને ૪ કલાકે મંગળા આરતી થઈ હતી. ડાકોર ખાતે ગામેગામથી અહીં હજારો ભક્તો પગપાળા દર્શન માટે આવતા હોય છે. અને તેઓ ખાસ મંગળા આરતીના દર્શનનો લહાવો લેતા હોય છે.

સવારે મંગળા આરતી શરૂ થઈ ત્યારે મંદિરના દરવાજા ખૂલતાની સાથે હજ્જારો ભક્તોના ટોળે ટોળાં મંદિરમાં દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં.ભક્તોએ કાળિયા ઠાકોરનાં દર્શન કરવા રીતસરની પડાપડી કરી હતી. આજે હોળી છે. કાલે મંદિરમાં ફૂલ ડોલોત્સવની ઊજવણી કરવામાં આવશે. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી. હજ્જારો ભક્તો શાંતિથી ભગવાનનાં દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી કાળિયા ઠાકોરનાં દર્શન કરવા ભક્તો ચાલતા અહીં પહોંચી રહ્યા છે.

રાજાધિરાજા શ્રી રણછોડરાયજી મહારાજ ટેરામાં બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે ૮થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી દર્શન થશે. બપોરે ૨.૩૦થી ૩ રાજાધિરાજા શ્રી રણછોડરાયજી મહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમિયાન દર્શન થશે નહીં. બપોરે ૩ થી ૫.૩૦ કલાક સુધી દર્શન થશે. બપોરે ૫.૩૦ થી ૬ કલાક દરમિયાન દર્શન બંધ રહેશે.

દર્શનાર્થીઓ માટે મંદિર પ્રવેશ બંધ રહેશે. સાંજના ૬ વાગે ઉત્થાપન આરતીનાં દર્શન થઈ રાત્રિના ૮ કલાકે સુધી દર્શન થશે. રાત્રિના ૮થી ૮.૧૫ કલાક સુધી ભગવાન શયનભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે. રાત્રિના ૮.૧૫થી નિત્યક્રમાનુસાર સેવા થઇને સખડીભોગ આરોગી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં રાજભોગ બપોરે ૧૨ કલાકે દર્શન ૧૨.૩૦થી ૪.૧૫ માં ૬.૪૯ કલાકે હોળી પ્રગટાવશે અને ૭.૧૫ કલાકે આરતી થશે દર્શન રાત્રે ૯ સુધી ખુલ્લા રહેશે આવતી કાલનો આરતીનો સમય પણ આ જ પ્રમાણે રહેશે હવેલીઓમાં ગુલાલની છોળો ઊડશે. કાલે ધુળેટીના દિવસે ચાર ખેલના દર્શન થશે.

You might also like