ડાકોરના ઠાકોરને ત્રણ સમયના ભોગ એક સાથે ધરાવી દેવાય છે!

શ્રીકૃષ્ણને ગુજરાતની ધરતી પર વધુ જ કંઈક લગાવ હશે એટલે જ અહીં દ્વારકા, ડાકોર અને શામળાજી જેવાં યાત્રાધામો આવેલાં છે. જેમાંના એક પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાનને ભોગ ધરાવવા મુદ્દે થોડો વિવાદ થયો છે.

કૃષ્ણ મંદિરોમાં ભોગ અને દર્શનના વિવિધ નિયમો હોવાથી ઘણી વાર દર્શનાર્થીઓને દર્શન ખૂલવાની રાહ જોવી પડે છે. જો સામાન્ય કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં આવી પરિસ્થિતિ હોય તો મોટાં મંદિરોમાં દર્શન ખૂલવાની રાહ જોતાં ભાવિકોની લાંબી કતારો હોવાની તે સ્વાભાવિક જ છે.

આવા જ કેટલાંક કારણસર ગત ૨૩ જાન્યુઆરીથી એવો નિર્ણય લેવાયો છે કે ભગવાનને ૩ ભોગ એક સાથે ધરાવવામાં આવે. બહારથી આવતા ઘણાં શ્રદ્ધાળુઓને સમયસર દર્શન મળી રહે તે માટે મંદિરના વ્યવસ્થાપકે આ નિર્ણય લીધો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ભગવાનને એક સાથે ત્રણ ભોગ ધરાવવામાં આવે તો વધુ દર્શનાર્થીઓને વધુ ૩૦ મિનિટ સુધી દર્શનનો લાભ મળી શકે, પરંતુ સ્થાનિક વૈષ્ણવોએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.

અત્યાર સુધી અહીં સામાન્ય દિવસોમાં સવારે મંગળા આરતી બાદ ભગવાનને બાળભોગ, શણગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણ ભોગ અલગઅલગ સમયે ધરાવવામાં આવતા હતા. સામાન્ય રીતે ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડ રહેતી જ હોય છે પરંતુ રવિવાર, તહેવારના દિવસો, પૂનમ તેમજ મનોરથ સમયે ખૂબ જ ભીડ વધી જતી હોય છે. તેથી આવા દિવસોમાં ત્રણેય ભોગ એક સાથે ધરાવવાનો નિયમ હતો જેથી વધુ ને વધુ દર્શનાર્થીઓને દર્શન મળી રહે અને મંદિરમાં ભીડ ઓછી થાય.

ડાકોર મંદિરનું સંચાલન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવે છે. કોર્ટની માન્યતાથી અમલમાં આવેલ એક સ્કીમ(વિવિધ નિયમોની સૂચિ) મુજબ મંદિરના વિવિધ વહીવટ અને વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ સ્કીમ અંગ્રેજોના સમયમાં અમલમાં આવી હતી. વૈષ્ણવ સંપ્રદાયના તત્કાલીન આચાર્યો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ તેને બનાવવામાં અને અમલમાં મૂકવામાં આવી હતી. ડાકોરના સ્થાનિક દર્શનાર્થીઓએ આ નિર્ણયની વિરુદ્ધમાં સૂર પુરાવ્યો છે. તેમની દલીલ છે કે આ ફેરફાર સ્કીમ અને સંપ્રદાય બંનેની વિરુદ્ધમાં છે. તહેવારના દિવસોમાં ત્રણેય ભોગ એકસાથે ધરી દેવાય તે વાત સમજી શકાય પરંતુ સામાન્ય દિવસોમાં પણ કેમ આ નિયમને લાગુ કરવામાં આવે છે ?

દર્શનાર્થીઓને ભલે દર્શન માટે વધુ સમય મળ્યો હોય પરંતુ સેવકોની લાગણી દુભાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. કેટલાંક સેવકોની દલીલ છે કે કોઈ વ્યક્તિને ત્રણેય ટંકનું ભોજન એક સાથે જમાડો તો તે બીમાર પડશે જ, તો પછી આવી રીતે દર્શનાર્થીઓની સુવિધા માટે નિયમોનો ભંગ ન કરવો જોઈએ. મંદિર સમિતિના મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાય કહે  છે કે, “દર્શનાર્થીઓને વધુ સમય મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. હાલ તો ૨૩મીથી લાગુ કરેલા નવા નિયમને જ અનુસરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ ફેરફાર કરવા કે નહીં તે બાબતે મંદિર સમિતિની આગામી બેઠકમાં નિર્ણય લેવાશે.”

સ્થાનિક વૈષ્ણવો અને મંગળા ગ્રૂપ નામના સંગઠને આ નિર્ણયને પાછો ખેંચવા માટે મંદિર સમિતિને તેમજ ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે. ઉપરાંત એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like