જો મને સલમાન આટલું પ્રોત્સાહન આપે છે તો બીજાને શો પ્રોબ્લેમ છે?: ડેઝી શાહ

સલમાન ખાને ઘણા બધા ન્યૂકમર્સને બોલિવૂડમાં એન્ટ્રી અપાવી છે. તેથી તે બી ટાઉનનો ગોડફાધર પણ કહેવાય છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં આવવા ઘણા બધા ન્યૂકમરને મદદ કરી છે, તેમાંથી એક નામ ડેઝી શાહ પણ છે. ડેઝીએ સલમાન સ્ટારર ફિલ્મ ‘જય હો’થી પોતાની બોલિવૂડ સફર શરૂ કરી હતી.

ત્યાર બાદ ‘રામ રતન’, ‘હેટ સ્ટોરી-૩’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળી. ખાસ કરીને ‘હેટ સ્ટોરી-૩’માં બોલ્ડ સીન આપીને તે ખૂબ જ ચર્ચામાં રહી. તે સલમાન સાથે ‘રેસ-૩’માં પણ જોવા મળી. ફિલ્મ ‘રેસ-૩’માં બોલાયેલો તેનો એક ડાયલોગ તેને રાતોરાત ચર્ચામાં લઇ આવ્યો.

આ અંગે ડેઝીનું કહેવું છે કે મેં સપને પણ વિચાર્યું ન હતું કે ‘રેસ-૩’માં બોલાયેલો ડાયલોગ સોશિયલ મીડિયા પર આટલી ધૂમ મચાવશે અને તેના કારણે હું ચર્ચામાં આવી જઇશ. માત્ર મને નહીં, મારી આખી ટીમને પણ ખ્યાલ ન હતો કે આ ડાયલોગ પર લોકો કેવી રીતે રિએક્ટ કરશે.

સલમાન ખાનને ડેઝીનો ગોડફાધર ગણાવાય છે. આ અંગે ડેઝી કહે છે કે તેમાં કોઇ બેમત નથી કે સલમાન ખાને જ મારી કરિયર બનાવી છે. હું જ્યારે ‘દબંગ’માં કોરિયોગ્રાફ કરી રહી હતી ત્યારે ‘બોડીગાર્ડ’ પ્લાન થઇ રહી હતી. સલમાને તે સમયે મને ‘બોડીગાર્ડ’ માટે પૂછ્યું હતું.

મેં ના કહી. તેની પાછળ જે કારણ મેં જણાવ્યું હતું તેની સાથે તેઓ સહમત થયા. બાદમાં વર્ષ ૨૦૧૨માં તેમણે મને ‘જય હો’માં મોકો આપ્યો. ડેઝી કહે છે કે કરિયર બે વાતોથી આગળ વધે છે. એક તો સારી ફિલ્મોમાં તમને સારો રોલ અને અને તમે પબ્લિકની પસંદ બની જાઓ.

આ બંને વાતો તમને સ્ટાર બનાવી દે છે. મને એ વાત સમજમાં આવતી નથી કે જો મને સલમાન સર આટલું પ્રોત્સાહન આપે છે તો તેમાં પ્રોબ્લેમ શું છે? તેઓ કેટલાય ન્યૂકમર્સને આગળ આવવાનું પ્રોત્સાહન આપે છે. સારી વાત એ છે કે તેઓ કોઇને બાંધીને રાખતા નથી. •

You might also like