મોડલિંગમાં વ્યસ્ત હતી ડાયના પેન્ટી

જાણીતી મોડલ અને છેલ્લાં ચાર વર્ષથી બોલિવૂડમાં સક્રિય ડાયના પેન્ટી છેલ્લે ‘કોકટેલ’ ફિલ્મમાં જોવા મળી હતી. ચાર વર્ષ બાદ તે ફરી એક વાર ‘હેપી ભાગ જાયેગી’માં જોવા મળી. હંમેશાં પોતાની ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થયા બાદ સ્ટાર્સ પોતાની આગામી ફિલ્મ સાઇન કરવા માટે ઉતાવળા હોય છે, પરંતુ ડાયનાએ તેમ ન કર્યું. તેણે બીજી ફિલ્મ માટે ચાર વર્ષ સુધી રાહ જોઇ. આ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે જોવા મળી. અભય સાથે કામ કરવાના અનુભવ અંગે તે કહે છે કે અભય બોલિવૂડનો સેન્સિટિવ કલાકાર છે. તેની સાથેના મારા અનુભવો ખૂબ જ શાનદાર રહ્યા, જ્યારે અમારી ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય ત્યારે હું અભયની એક્ટિંગ જોયા કરતી. તેને એક્ટિંગ કરતાં જોવો એ એક પ્રકારનું હોમવર્ક છે.

‘કોકટેલ’ની રિલીઝને ચાર વર્ષ થઇ ગયાં તો આ ચાર વર્ષ ડાયનાએ શું કર્યું? તે કહે છે કે મેં ત્રણથી ચાર વર્ષ મોડલિંગમાં વીતાવ્યાં છે. મેં તમામ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને ફેશન ડિઝાઇનર્સ સાથે કામ કર્યું છે. મોડલિંગમાં રવિવારે પણ રજા હોતી નથી. મારી પહેલી ફિલ્મ ‘કોકટેલ’માં મારા પર્ફોર્મન્સનાં વખાણ થયાં તો મને ઘણા દમદાર અને અર્થપૂર્ણ રોલ મળ્યા. ઓફર તો આવી, પરંતુ મને પસંદ ન પડી. હું ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી રહી હતી અને મોડલિંગમાં બિઝી હતી. આ બધી બાબતમાં ત્રણેક વર્ષ નીકળી ગયાં. મારે મોડલિંગના એસાઇન્મેન્ટના કારણે રણબીર કપૂર સાથેની રોકસ્ટાર છોડવી પડી હતી. ઇમ્તિયાઝ અલીની રોકસ્ટાર તરત શરૂ કરવાની હતી. હું મારી ડેટ એડ્જેસ્ટ કરી શકી નહીં તેથી તે ફિલ્મ નરગિસ ફકરીને મળી. •

You might also like