ઘરે બનાવો આ રીતે ચટપટી દહીંપૂરી, લોકો આંગળા ચાટતા રહી જશે

આપણાં ગુજરાતીઓની જો વાત કરીએ તો આપણાં દરેક ગુજરાતીઓ ખાવાપીવાનાં ખૂબ જ શોખીન હોય છે. અને એમાંય પાણીપૂરી, દાબેલી, વડાપાંઉ જેવાં ફાસ્ટફુડ ખાવાનાં તો લોકો ખૂબ જ શોખીન હોય છે.

ત્યારે એમાંય પાણીપૂરી અને સેવપૂરી પછી જો કોઇને સૌથી લોકપ્રિય કોઈ વસ્તુ હોય તો તે છે ચાટ અને એમાંય મહિલાઓને તો સૌથી પ્રિય હોય છે દહીંપૂરી. તેમાંય જો ચટાકેદાર દહીંપૂરી સૌથી વધુ ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ તો લોકોને દાઢમાં રહી જાય છે.

તો આજે અમે તમને શીખવીશું આપણે ઘરે જ પાણીપૂરીની જેમ દહીંપૂરી કંઇ રીતે બનાવવી. દહીંપૂરીની આ ખાટી-મીઠી અને ચટાકેદાર ડિશ ચોક્કસથી ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી જો તમે ઘરે દહીં પૂરી બનાવશો તો જરૂરથી તમારા ઘરે ફેમિલી મેમ્બરની વારંવાર ડિમાન્ડ જરૂરથી થશે.

દહીં પૂરી બનાવવા માટેની જરૂરી સામગ્રીઃ

પાણીપૂરીની પૂરીઃ 40 નંગ
બાફેલા બટેટાઃ 200 ગ્રામ
બાફેલા ચણા (બાફતી વખતે ચણાનાં ભાગનું મીઠુ નાંખવું): 100 ગ્રામ
લીલા મરચાની પેસ્ટઃ 1 મોટી ચમચી
જેટલી બૂંદીઃ 1 કપ
ઝીણી સમારેલી ડુંગળીઃ અડધો કપ
લસણની વાટેલી ચટણીઃ અડધો કપ
કોથમીર-ફુદીનાની ચટણીઃ અડધો કપ
ગળ્યું દહીં: 1 કપ
શેકેલા જીરાનો ભૂક્કોઃ 1 ચમચી
સંચળઃ અડધી ચમચી
ઝીણી સમારેલી કોથમીર
ઝીણી સેવ
સ્વાદ અનુસાર મીઠું

સૌ પ્રથમ માવો બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે બાફેલા બટેટા અને ચણા લો. તેને એક બાઉલમાં લઈને બરાબર મસળી નાંખો. આમ કરવાથી પાણીપૂરી જેવો જ માવો તૈયાર થઈ જશે. હવે આ માવાને બરાબર મસળી લો. ને બાદમાં તેમાં લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું અને બુંદી નાંખીને તેને બરાબર મિક્ષ કરો.

મસાલાવાળી ડુંગળીઃ
હવે દહીંપુરીમાં જો ઝીણી સમારેલી સાદી ડુંગળી હોય તેને બદલે જો તે જ ડુંગળી મસાલાવાળી નાખવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. જેથી ડુંગળીમાં તમે ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર નાંખીને તેને બરાબર મિક્ષ કરો.

દહીં પૂરી તૈયાર કરવા માટેની રીતઃ
પાણીપૂરીની પૂરીમાં વચ્ચે સૌ પ્રથમ મોટું કાણું પાડો. તેમાં બટેટાનું મિશ્રણ ઉમેરો અને તેનાં પર મસાલા-કોથમીરવાળી ડુંગળી ઉપરથી ભભરાવો.

હવે આ રીતે ચટણીનું ઉમેરણ કરોઃ
પહેલા દહીંપૂરીમાં આપ ખાંડ નાંખેલુ અને બરોબર વલોવેલું દહીં નાંખો. ત્યાર બાદ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી અને લસણની ચટણી તેમાં નાખો. છેલ્લે ફરી વાર તેમાં દહીં ઉમેરો.

હવે જ્યારે આ જ પ્રકારે દરેક પૂરીમાં માવો અને ચટણી ઉમેરાઈ જાય પછી તેની ઉપર જીરું પાવડર, લાલ મરચું અને સંચળ ઉમેરો. ત્યાર બાદ બિલકુલ છેલ્લેથી સેવને ભભરાવો. તેની ઉપર તમે ઝીણી સમારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરી શકો છો. હવે જ્યારે આ પૂરી સંપૂર્ણ આ રીતે તૈયાર થઈ જાય એટલે તુરત એક ડીશમાં સર્વ કરો.

You might also like