દહેજ GNFCની પાઈપલાઈનમાંથી ગેસ લીક થતાં ત્રણનાં મોત

અમદાવાદ: ભરૂચ નજીક દહેજ જીઅાઈડીસીમાં અાવેલ જીએનએફસીના ટીડીઅાઈ પ્લાનની પાઈપલાઈન ગઈ મોડીરાતે લીકેજ થતાં ગેસ ગળતર થવાના કારણે ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે ૧૫થી વધુ લોકોને ગેસની ગંભીર અસર થતાં તમામને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ભરૂચ નજીક દહેજ ખાતે રિયાત ગામ પાસે અાવેલ જીઅાઈડીસીમાં જીએનએફસીનો પ્લાન અાવેલો છે. જેના ટીડીઅાઈ વિભાગના પ્લાનમાંથી પસાર થતી પાઈપલાઈનમાં મોડી રાતે ગેસ લીકેજ થયો હતો. વધુ પડતા પ્રેશરના કારણે વાલ ખુલી જતા અા ઘટના બની હતી. ગેસ જોતજોતામાં જ વાતાવરણમાં ફેલાતા તેની ગંભીર અસરના કારણે ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતા.

જ્યારે ૧૫થી વધુ લોકોને ગેસની ગંભીર અસર થતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જીઅાઈડીસી વિસ્તારમાં અા ઘટના વાયુવેગે ફેલાઈ જતાં વસાહતમાં રહેતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી અને ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ અા વિસ્તારને કોર્ડન કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

You might also like