રૂ.૨૦.૫૬ કરોડના ખર્ચે ડી.કે.પટેલ હોલના રંગરૂપ બદલાઈ જશે

અમદાવાદ: પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં આવેલા કોર્પોરેશનના ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલના જૂની હયાત બિલ્ડિંગને દૂર કરીને અદ્યતન સગવડો ધરાવતા એસી કોમ્યુનિટી હોલ બનાવવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં હોઇ રૂ.ર૦.પ૬ કરોડથી વધુનો અંદાજ તૈયાર કરાયો છે. આ હોલ પ્રસ્તુત તસ્વીરમાં બતાવ્યા મુજબનો બનશે.

ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલનું અત્યારનું બાંધકામ ૩૦ કરતાં વધુ વર્ષ જૂનું હોઇ તેનો મરામત નિભાવ ખર્ચ કોર્પોરેશનને ખૂબ આવે છે. આ ઉપરાંત હાલની ડિઝાઇન મુજબ હોલાની જગ્યાનો પૂરેપૂૂરો ઉપયોગ થઇ શકતો નથી. જેના કારણે કોર્પોરેશન દ્વારા આર્કિ‌ટેકટ પાસે નવેસરથી ડિઝાઇન બનાવડાવીને ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલને અત્યાધુનિક રંગરૂપ આપવાની કવાયત હાથ ધરાઇ છે.

પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના વડા હરપાલસિંહ ઝાલા કહે છે, “ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલની પ્લોટ સાઇઝ પ૪૬૩.૬૭ ચો.મી. હોઇ તેના બાંધકામનું ક્ષેત્રફળ ૪૬પર.પ૯ ચો.મી.નું છે. અા હોલના ભોંયતળિયે પપ૦ વ્યકિત અને પ્રથમ માળે પપ૦ વ્યકિત એમ કુલ ૧૧૦૦ વ્યકિતઓની ક્ષમતા ધરાવતા બે હોલ બનશે. તેમજ ૩૬ નંગ કાર અને ૬૦ નંગ ટુ વ્હીલર્સની પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાશે.”

ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલને પૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવા માટે સિવિલ વર્ક માટે રૂ.૧૦.૭૩ કરોડ, ઇલેક્ટ્રિક વર્ક માટે રૂ.ર.૩૬ કરોડ, એસી વર્ક માટે રૂ.૧.૯૪ કરોડ, ફાયર સેફટી માટે રૂ.૭૦.૮૪ લાખ, ઇન્ટિરિયરિંગ વર્ક માટે રૂ.૧.૬૩ કરોડ, લિફ્ટિંગ વર્ક માટે રૂ.૬૬.૮૬ લાખનો અંદાજ તૈયાર કરાયો છે. આ કામગીરી શરૂ કર્યા બાદ બે વર્ષમાં પૂર્ણ કરાશે તેમ પણ તેઓ વધુમાં જણાવે છે.

તાજેતરમાં મળેલી રોડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલના હયાત બિલ્ડિંગને દૂર કરીનેે અત્યાધુનિક પૂર્ણ વાતાનુકૂલિત એસી કોમ્યુનિટી હોલ બનાવવાના રૂ.ર૦.પ૬ કરોડના અંદાજને મંજૂરી અપાઇ છે. હવે અંદાજ આધારિત ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

You might also like