ડી.જી. વણઝારાનો મામલતદાર પુત્ર લાંચ લેતા ઝડપાયો

વડોદરા: ગુજરાત એસીબીની વડી કચેરી પર ટોલફ્રી નંબર પર આવેલી ફરિયાદને આધારે આજે વડોદરા એસીબી એ ટ્રેપ ગોઠવીને વડોદરા તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારને રૂપિયા 75,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા અને બંને અધિકારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે .

આજે સવારે ટોલફ્રી નંબર પર ઈટોલાના વરસોડા ગામના ચિંતન પટેલે વડોદરા તાલુકાના મામલતદાર અર્જુનસિંહ વણઝારા અને નાયબ મામલતદાર જસવંતસિંહ હજૂર તેમની જમીનમાં પોતાનું નામ ચડાવવા માટે એક લાખની માંગ કરતા હોવાની ફરિયાદ નોંધાવી અને સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ મોકલ્યું હતું.

આ ફરિયાદ વડોદરા એસીબીને મોકલવામાં આવી હતી અને વડોદરાના મદદનીશ નિયામક અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું અને સાંજે નર્મદભવન ખાતે આવેલી તાલુકા મામલતદારની કચેરી પર બંને અધિકારી ને રૂપિયા 75,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ફરયાદીની જમીનમાં કોઈએ ખોટું નામ ચડાવી દીધું હતું અને તેને સુધારીને પોતાનું નામ કરવા માટે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી.

આ ઉપરાંત અર્જુનસિંહ વણઝારાની સ્કોર્પિયો ગાડીમાંથી રૂપિયા 3,12,500 અને ટેબલના ડ્રોવર સીલબંધ કવરમાં 15,000 મળી આવ્યા હતા કુલ 3,27,500/-મળી આવ્યા હતા જ્યારે જસવંતસિહ હજુરના ખિસ્સામાંથી 26,142 રૂપિયા મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહ વણઝારા નિવૃત ડી જે વણઝારાનો પુત્ર છે. વડોદરા એસીબીએ મામલતદાર અર્જુનસિંહ વણઝારા અનેર નાયબ મામલતદાર જસવંતસિંહ હજુર ની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને બંને ના નિવાસ સ્થાને તપાસ હાથ ધરવામાં આવશે.

You might also like