અા મારું નહીં ગુજરાત પોલીસ અને તમામ દેશભક્તોનું સ્વાગત છેઃ વણજારા

અમદાવાદ: આ મારું સ્વાગત નથી, ગુજરાત પોલીસનું સ્વાગત છે, ગુજરાતની પ્રજાનું અને હિન્દુસ્તાનના તમામ દેશભક્તોનું સ્વાગત છે-આ શબ્દો છે, નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી. જી. વણજારાના. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં જામીન પર મુક્ત થયેલા ડી. જી. વણજારાને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી અપાતાં આજે સવારે નવ કલાકે મુંબઈથી તેઓ ફ્લાઈટ મારફતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ઊમટી પડ્યા હતા. સાફા અને ઢોલ-નગારા સાથે ડાન્સ કરીને અને ફૂલોના હાર પહેરાવીને તેમના ચાહકોએ વણજારાના ગુજરાત પ્રવેશને વધાવી લીધાે હતાે.

ઉપરાંત ટાઉનહોલ ખાતે પણ તેમના સમર્થકોએ પણ ઢોલ-નગારા વગાડી ફટાકડાં ફોડી તેઓનું સ્વાગત કર્યું હતું.
વર્ષ ૨૦૦૭માં ગુજરાત સીબીઆઈ ક્રાઈમે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેઓની ધરપકડ કરી હતી. બાદમાં ઈશરત જહાં એન્કાઉન્ટરમાં પણ તેઓનું નામ ખૂલતાં તે કેસમાં પણ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કોર્ટ દ્વારા તેઓને જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા ગુજરાતમાં ન પ્રવેશવાની મંજૂરી ઉપર તેઓને જામીન પર મુક્ત કરાયા હતા. આઠ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ તેઓને જામીન મળ્યા હતા અને તેઓ એક વર્ષ સુધી મહારાષ્ટ્રમાં રહ્યા બાદ સ્પે. સીબીઆઈ કોર્ટે તેઓએ ગુજરાતમાં પ્રવેશવાની અરજી કરતાં તેઓને કોર્ટે પરવાનગી આપી હતી.

એરપોર્ટ પર સવારે નવ કલાકે તેઓ આવવાના હોઈ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. એફ ડિવિઝનના એસીપી અને તેઓનાં ભત્રીજી મંજિતા વણજારા, તેઓના પુત્ર પૃથ્વી વણજારા પણ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ ગુજરાતમાં પ્રવેશેલા ડી.જી. વણજારાને વધાવી લીધા હતા.

ડી. જી. વણજારાએ એરપોર્ટ બહાર મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે હું આઠ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એન્કાઉન્ટરના કેસમાં બંધ હતો અને શરતી જામીન મળતાં હું મહારાષ્ટ્ર ગયો હતો અને મને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી હું આજે ગુડી પડવાના િદવસે ગુજરાત આવ્યાે છું. મોટી સંખ્યામાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, તેના માટે તેઓએ તમામ લોકોનો આભાર માન્યો હતો. ઉપરાંત તેઓના વતન ઈલોલમાં પણ તેઓના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટ પર સ્વાગત બાદ તેઓ ગાંધીનગર ટાઉનહોલ ખાતે જવા રવાના થયા હતા.

ટાઉનહોલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકોએ તેઓનું સ્વાગત કર્યું હતું. ટાઉનહોલ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકો દ્વારા હોલમાં ‘દેખો દેખો કોણ આવ્યા, ગુજરાતના શેર આવ્યા’. ઉપરાંત વિવિધ સમાજના તથા વણજારા સમાજના પ્રતિનિધિઓ દ્વારા ચાંદીની તલવાર આપી તેઓનું સ્વાગત કરાયું હતું. ગાંધીનગરના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા વિશ્વ હિન્દુ પરિષદના ગિરીશ ત્રિવેદી તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

You might also like