સાયરસ મિસ્ત્રીના સ્થાને TCSના નવા ઈન્ટરિમ ચેરમેન તરીકે ઈશાત હુસૈન

મુંબઈ: ટાટા સન્સે સાયરસ મિસ્ત્રીની જગ્યાએ ઈશાત હુસૈનની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ)ના વચગાળાના (ઈન્ટરિમ) ચેરમેન તરીકે નિમણૂક કરી છે. ટાટા સન્સના બોર્ડે સાયરસ મિસ્ત્રીને ટીસીએસના ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા અને તેમના સ્થાને ઈશાત હુસૈન હવે નવા ચેરમેનની નિમણૂક સુધી ટીસીએસના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે.

કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જારી કરેલી પોતાની વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે તેને ટાટા સન્સ તરફથી પત્ર મળ્યો છે જેમાં ઈશાત હુસૈનના સ્થાને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન તરીકે નિયુક્ત કર્યાનું જણાવાયું છે. ઈશાત હુસૈન ૧ લી જુલાઈ ૧૯૯૯ના રોજ ટાટા સન્સના બોર્ડમાં સામેલ થયા હતા. ટાટા સન્સના બોર્ડમાં જોડાયા તે પહેલાં તેઓ ટાટા સ્ટીલમાં લગભગ ૧૦ વર્ષ સુધી સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ફાઈનાન્સ) તરીકે કાર્યરત હતા. તેમણે ટાટા સ્ટીલ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા ટેલિ સર્વિસીસ અને ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની કેટલીય ટાટા કંપનીઓનાં બોર્ડમાં કામ કર્યું છે.

આ ઉપરાંત ઈશાત હુસૈન સેબીના સભ્ય પણ રહી ચૂક્યા છે. એપ્રિલ ૨૦૦૫માં તેમની વ્યાપાર બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ નવેમ્બર ૨૦૦૬માં તેમની બોમ્બ સ્ટોક એકચેન્જ લિમિટેડના પબ્લિક ઈન્ટરેસ્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૦૮માં તેમની ઈન્ડિયન ફાઉન્ડેશન ફોર આર્ટસના બોર્ડના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી. ઈશાત હુસૈન ૧૯૮૧માં ટાટા સ્ટીલની સહયોગી કંપની ઈન્ડિયન ટ્યૂબ કંપનીના બોર્ડમાં પણ સામેલ થયા હતા. ૧૯૮૩માં ઈશાત હુસૈન ટાટા સ્ટીલ સાથે સંકળાયેલા હતા અને ત્યારે ઈન્ડિયન ટ્યૂબનો વિલય કંપનીમાં થયો હતો.

સાયરસ મિસ્ત્રીને ૨૪ ઓક્ટોબરથી ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા અને ત્યાર બાદ ગ્રૂપના ચેરમેનની નિમણૂક કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

You might also like