ઓડિશા-આંધ્રના કિનારે ત્રાટક્યું ‘તિતલી’: ભારે વરસાદ-ભૂસ્ખલન, આંધ્રમાં બેનાં મોત

ભુવનેશ્વર: ચક્રવાતી તોફાન ‘તિતલી’ આજે સવારે ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કિનારે ૧૪૦થી ૧પ૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ટકરાયું છે. ચક્રવાતી તોફાન તીતલીના કારણે આંધ્રપ્રદેશમાં બેનાં મોત થયા છે.

તીતલી તોફાન આંધ્ર અને દ‌િક્ષણ ઓરિસાના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ટકરાયા બાદ બંગાળ તરફ આગળ વધી ગયું છે. ગોપાલપુરમાં આવેલા સમુદ્રી તોફાનમાં માછીમારોની એક નૌકા ડૂબી ગઇ હતી. તેમાં સવાર પાંચ માછીમારોને બચાવી લેવાયા છે.

આ ચક્રવાતના કારણે કિનારાના વિસ્તારોમાં તોફાની પવન સાથે અતિભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બંને રાજ્યના અનેક સ્થળે ભૂસ્ખલન થવાના સમાચાર પણ મળી રહ્યા છે. તિતલીના કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ઊખડી ગયા છે અને ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. તિતલીને અતિગંભીર ચક્રવાતી તોફાનની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.

ભારેથી અતિભારે વરસાદની ચેતવણી બાદ ઓડિશા સરકારે સમુદ્ર કિનારે આવેલા પાંચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ ખાલી કરાવી દીધા છે. તિતલી ર૮૦ કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં ઊભું થયું હતું.

આ વાવાઝોડાની અસરથી ૧ર ઓક્ટોબર એટલે કે આવતી કાલ સુધીમાં સમગ્ર ઓડિશા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમુદ્રની લહેરો પણ તોફાની બનશે અને વિનાશક મોજાંઓ કિનારે વિનાશ નોતરશે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા પ્રેશરના કારણે આવેલા ચક્રવાતી તોફાન તિતલીએ ખૂબ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ તિતલીના કારણે ૧૪પથી ૧પ૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી વાવાઝોડું આવવાની ચેતવણી જારી કરી છે.

ચક્રવાતના ખતરાના ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડી કેન્દ્રોને ૧૧ અને ૧ર ઓક્ટોબરે બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. મુખ્ય સચિવ આદિત્યપ્રસાદ પાધીએ જણાવ્યું કે રાજ્યમાં આજે યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓને રદ્દ કરી દેવામાં આવી છે. ચક્રવાત અને અતિભારે વરસાદની સંભાવનાના કારણે તમામ અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.

તિતલીના કારણે ૧૧-૧ર ઓક્ટોબરે ભુવનેશ્વર, કટક, ઢેંકનાલ, સંભલપુર, ખુર્દા અને બેરહમપુરમાં યોજાનારી રેવલે ભરતી બોર્ડની પરીક્ષા પણ ઓડિશા સરકારે રદ કરી દીધી છે. નવી તારીખ અને પરીક્ષા સ્થળ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર મોકલી દેવામાં આવશે તેવું એક અધિકારીએ જણાવ્યું છે.

એનડીઆરએફની ૧૪ ટીમને ઓડિશાના બાલાસોર, સંભલપુર, ગજાપતિ, નાયાગઢ, પુરી, જાજપુર, કેન્દ્રપાડા, ભદ્રક, ગંજમ અને ભુવનેશ્વરમાં તહેનાત કરી દેવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની ચાર ટીમને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ અને વિજયનગરમાં સ્ટેન્ડટુ રાખવામાં આવી છે.

ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગાપટ્ટનમ વચ્ચે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. આગામી ૧૮ કલાકમાં આ ભૂસ્ખલન અત્યંત ગંભીર સ્તરે પહોંચે તેવી શક્યતા છે. તિતલીની સૌથી વધુ અસર ઓડિશાના ૧૮ જિલ્લામાં જોવા મળી છે. આ તમામ જિલ્લાઓમાં સરકારે રેડ એલર્ટ જારી કરી દીધું છે.

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે જણાવ્યું હતું કે લગભગ ત્રણ લાખ લોકોને તટીય વિસ્તારોમાંથી હટાવીને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. રાહત કમિશનર સાથે રિવ્યૂ મિટિંગ બાદ જો જરૂરી લાગશે તો હજુ પણ કેટલાક લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવશે.

રાજ્ય સરકારે તમામ અધિકારીઓને એલર્ટ રહીને સ્થિતિ પર નજર રાખવાના આદેશ જારી કર્યા છે. ઓડિશાના તમામ જિલ્લાના અધિકારીઓને સતત સીએમઓના સંપર્કમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યના પાંચ જિલ્લા ગુંજમ, પુરી, ખુરા અને કેન્દ્રાપાડાથી સૌથી વધુ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.

બીજી તરફ તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પણ દક્ષિણ-પૂર્વ ચોમાસું સ‌િક્રય થઈ ગયું છે. આ ત્રણેય રાજ્યમાં પણ તંત્ર એલર્ટ છે. તિતલીની આંશિક અસરથી પણ આ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

You might also like