બાંગ્લાદેશ: ઢાકાની કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં ભીષણ આગ: ૭૦નાં મોત

(એજન્સી) ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચોક બજાર સ્થિત એક ઈમારતમાં સિલિન્ડર ફાટવાથી લાગેલી ભીષણ આગના કારણે ૭૦ લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૪૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યાંક હજુ વધી શકે છે. ઢાકાનો ચોક બજાર વિસ્તાર ખૂબ સાંકડો અને ગીચ છે. ત્યાંની એક કેમિકલ ફેક્ટરીમાં બુધવારે મોડી રાતે આગ લાગી હતી. આ આગ જોતજોતામાં આસપાસની પાંચ ઈમારતોમાં ફેલાઈ ગઈ હતી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા ઘણી મોટી છે. હાલ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચોક બજારની જે ઈમારતમાં આગ લાગી છે તેની આસપાસ રહેણાક વિસ્તારો, દુકાનો અને રેસ્ટોરાં આવેલાં છે. ફાયરબ્રિગેડ વિભાગના ડાયરેક્ટર અલી અહમદ ખાને જણાવ્યું કે, અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ૪૦થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે અને હજુ મૃત્યુનો આંકડો વધી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમારતના કેટલાક ફ્લોરનો ઉપયોગ કેમિકલ ફેક્ટરી અને ગોદામ તરીકે કરવામાં આવતો હતો. અલી અહમદે કહ્યું હતું કે, કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આગ ફાટી નીકળી હતી. સ્થાનિક સમય અનુસાર, રાતે લગભગ ૧૧ વાગ્યે આગ લાગી હતી અને થોડા સમયમાં જ આગ આસપાસની પાંચ બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

ગોદામમાં રાખવામાં આવેલા કેમિકલનાં કન્ટેનર સુધી આગ પહોંચી જતાં ભીષણ બની હતી. આ ઈમારતમાં કેટલાક લોકોનાં ઘર પણ આવેલાં છે. મોડી રાતે આગ લાગી હોવાથી મોટાભાગના લોકોના મોત ગૂંગળાઈ જવાથી થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ફાયરબ્રિગેડ હાલ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ચોક બજાર વિસ્તારની ગલીઓ એકદમ સાંકડી હોવાથી ફાયરબ્રિગેડની મોટી ગાડીઓ અંદર જઈ શકતી નથી.

ફાયરબ્રિગેડે હાલ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ કેમિકલ ફેક્ટરીના માલિકોની ગંભીર બેદરકારી લાગી રહી છે. આગ બુઝાયા બાદ ફોરેન્સિક તપાસ થાય ત્યારે જ સાચા કારણની ખબર પડશે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની જોખમી કેમિકલ ફેક્ટરી અને ગોદામ કેમ ધમધમતાં હતાં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કેમિકલ ફેક્ટરી અને ગોદામમાં મોટા પ્રમાણમાં સીએનજી સિલિન્ડર, પ્લાસ્ટિકનો જથ્થો અને કેમિકલના કન્ટેનર રાખવામાં આવ્યાં હતાં. આ કારણે જ આગે ગણતરીના સમયમાં જ ભીષણ રૂપ ધારણ કર્યું હતું અને આસપાસની અન્ય પાંચ બિલ્ડિંગ પણ આગમાં હોમાઈ ગઈ હતી.

હાલ ફાયરબ્રિગેડની ૫૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે છે અને રસ્તાઓ ખૂબ સાંકડા હોવાથી પાણીની પાઈપ લાંબી કરીને આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ ૨૦૧૦માં પણ ઢાકામાં ભીષણ આગ લાગી હતી. એ વખતે બિલ્ડિંગનો ઉપયોગ કેમિકલ વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. એ દુર્ઘટનામાં ૧૨૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

You might also like