કસ્ટોડિયલ ડેથઃ કેતન પટેલના અંતિમ સંસ્કારમાં હજુ પણ વિલંબ

અમદાવાદ: બલોલના પાટીદાર મૃતક યુવક કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર કથિત આરોપીઓની ધરપકડ બાદ પણ આજે આઠ દિવસથી ચાલી રહેલી લડતનો અંત આવ્યો નથી. કેતનના અપમૃત્યુના કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને ત્રણની ધરપકડ કર્યા બાદ આજે સવારે મૃતકના અંતિમ સંસ્કાર કરવાની જાહેરાત કરાઇ હતી. હવે પરિવારે સીબીઆઇની તપાસની માગ કરીને તેમની માગ ન સ્વીકારાય તો લાશનો કબજો લેવાનો ઇનકાર કરતાં સરકાર અને પોલીસ મૂંઝવણમાં મુકાઇ છે.

ગઇ કાલે દિવસભર લાશનો કબજો અને અ‌ંતિમ સંસ્કાર કરવા માટેની ચર્ચાઓને અંતે છેલ્લે મામલો અટવાયો હતો. ગઇ કાલે બપોરે પોલીસ તપાસમાં સંપૂર્ણ સંતોષ દર્શાવી કેતનના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. પરિવારજનોની સીબીઆઇ તપાસની માગને પગલે સમગ્ર મામલો ગૂંચવાયો છે.

મૃતકના અંતિમ સંસ્કાર માટે જરૂરી તમામ સામગ્રીના ઓર્ડર છેલ્લી ઘડીએ રદ કરાયા હતા. મૃતકની ડેેડ બોડીને આઠ દિવસથી વધુનો સમય થઇ ગયો હોવાના કારણે બેકટેરિયા ઉત્પન્ન થવાના કારણે અગ્નિસંસ્કાર સમયે સ્મશાનયાત્રામાં જોડાનાર લોકો તેેમજ મૃતકની નજીક રહેનારાઓને ચેપી રોગ થવાની ભીતિને પગલે ગઇ કાલે ગોગલ્સ, ગ્લોવ્સ અને માસ્ક સાથેની કિટ સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયાર રાખવામાં આવી હતી.

મૃતકના અગ્નિસંસ્કાર માટે ૧પ કિલો તલ, ૧પ કિલો ઘી, ૧પ કિલો રાળ, ર૦ કિલો સુખડનું લાકડું, બે ફુલની ચાદર, ૭૦૦ હાર, એક લિટર ફોરમેલીન અને પ૦૦ ગ્રામ અત્તર સહિતની સામગ્રીના ઓર્ડર છેલ્લી ઘડીએ રદ કરાયા હતા.

મૃતકના પિતા મહેન્દ્રભાઇ પટેલની ફરિયાદને આધારે પોલીસે કથિત આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનાની તમામ માગણીઓ સંતોષાઇ હોવાના મુદ્દે મહેન્દ્રભાઇ પટેલ અને તેમના પરિવારજનો સહિત ધારાસભ્ય પીઆઇ પટેલે ઉપવાસ છોડીને પારણાં કર્યાં હતાં. ત્યાર બાદ ગઇ કાલે બપોરથી મૃતદેહ સ્વીકારવા અને તેના અંતિમ સંસ્કાર કરવા અંગે ચર્ચાઓ ચાલી હતી, પરંતુ અંતમાં સમગ્ર તપાસ સીબીઆઇને સોંપવામાં આવે ત્યાર બાદ જ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે તેવી મૃતકના પિતાની માગણીના પગલે અગ્નિસંસ્કારની પ્રક્રિયા વિલંબમાં પડી છે.

આજે સવારથી સિવિલ કેમ્પસમાં પાસના કાર્યકરો અને મૃતકના પરિવારજનો દ્વારા તેના આત્માની શાંતિ માટે માળા-જાપ શરૂ કરાયા છે. આ લખાય છે ત્યાં સુધી મૃતકનો કબજો લેવા માટેનું કોકડું ગૂંચવાયેલું રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like