રૂપિયામાં જોવા મળેલી ઊથલપાથલના પગલે ફોરેક્સ ડીલર્સ સરકારની રડારમાં

અમદાવાદ: કેન્દ્ર સરકારે બુધવારથી રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો રદ કર્યા બાદ વિવિધ વેપારી બજારોમાં કે જ્યાં મોટા પ્રમાણમાં રોકડનો વ્યવહાર થતો હતો તે બજારોમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો થયા છે. સોનાના કારોબારમાં કરોડો રૂપિયાની લેતીદેતી થયા બાદ ફોરેક્સ બજારમાં પણ આ વ્યવાહારો થયા હોવાનું બહાર આવ્યું છે.

સ્થાનિક ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે ચલણી નોટો રદ કર્યા બાદ વિદેશી મુદ્રાનું ખરીદ-વેચાણ કરતા ડીલર્સ દ્વારા મોટા પ્રમાણમાં કારોબાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગેરકાનૂની રીતે આ કારોબાર કરતા ડીલર્સ ઉપર સકંજો કસાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજકોટ તથા સુરતના ફોરેક્સ ડીલર્સ પણ આ સકંજામાં આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.  દરમિયાન આર્થિક બાબતોના સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે ફોરેક્સ ડીલર્સ દ્વારા કરવામાં આવેલા શંકાસ્પદ કારોબાર ઉપર સરકાર નજર રાખી રહી છે તથા આ અંગે કાર્યવાહી પણ હાથ ધરાઇ રહી છે.

નોંધનીય છે કે પાછલાં સપ્તાહે ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાની સાથે સાથે સ્થાનિક બજારમાં પણ રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો રદબાતલ થતાં કાળાં નાણાં ધરાવતા લોકોએ જ્વેલરીની ખરીદીની સાથેસાથે વિદેશી મુદ્રાની પણ મોટા પ્રમાણમાં ખરીદી હોવાનું બહાર આવ્યું છે, જેમાં ફોરેક્સ ડીલર્સ દ્વારા નિયમ વિરુદ્ધ પણ કારોબાર કરાઇ રહ્યો હોવાનું જાણવા મળે છે. આવા ડીલર્સ પર આગામી દિવસોમાં ગાળિયો કસાય તેવી શક્યતા છે.

You might also like