શિક્ષકને ઠગનાર વિદ્યા‌િર્થની અને તેના પતિની ધરપકડ

અમદાવાદ: રૂપિયા 500 તથા 1000ના દરની જૂની નોટો બદલી આપવાનું કહીને ટ્યૂશન ક્લાસીસના સંચાલકને 50 હજારનો ચૂનો લગાવી નાસતી ફરતી વિદ્યાર્થિની અને તેના પતિની રામોલ પોલીસે ધરપકડ કરી છે.

રામોલની સહજાનંદ સોસાયટીમાં રહેતા અને ગાયત્રી કલાસીસ ચલાવતા ગિરીશ ચુનીલાલ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં 50 હજારની છેતર‌િપંડીની ફરિયાદ દંપતી વિરુદ્ધમાં દાખલ કરાવી હતી કે તારીખ 29-8-2016ના રોજ ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી પૂજા પાલ (રહે. સાંઇધામ સોસાયટી, મહાદેવનગર, વસ્ત્રાલ) નામની યુવતી ટ્યૂશન માટે આવતી હતી.

તારીખ 11-11-2016ના રોજ જૂની 500 તથા 1000ના દરની 50 હજારની ચલણી નોટો બેન્કમાં જમા કરાવવા માટે ગિરીશકુમાર જતા હતા તે સમયે ક્લાસીસમાં હાજર પૂજાએ તેનો પતિ રોનક અગ્રવાલ આઇસીઆઇસીઆઇ બેન્કમાં લોન મેનેજર  હોવાથી જૂની નોટોના બદલામાં નવી નોટો આપવાની વાત કરી હતી. વિદ્યાર્થિની પૂજાની વાત પર વિશ્વાસ કરીને ગિરીશકુમારે તેને 50 હજાર રોકડા આપ્યા હતા.

થોડા દિવસો સુધી પૂજા ટ્યૂશન ક્લાસીસમાં નહીં આવતાં ગિરીશકુમારે તેને ફોન કર્યા હતા. પૂજા અને રોનકે ફોન નહીં ઉપાડતાં ગિરીશકુમારને વોટ્સઅપમાં મેસેજ મોકલ્યો હતો, જોકે દંપતિએ રૂપિયા પરત કર્યા ન હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પૂજા પાલનાં લગ્ન થોડાક સમય પહેલાં એક યુવક સાથે થયાં હતાં, જોકે તે રોનકને પ્રેમ કરતી હોવાથી તેની સાથે ભાગી ગઇ હતી, જેની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પૂજાનાં માતા-પિતાએ તેના ડિવોર્સ કરાવીને રોનક સાથે લગ્ન કરાવી દીધાં હતાં. ગત વર્ષે પૂજાનાં માતા-પિતાએ સમાચારપત્રોમાં જાહેરાત આપી હતી કે પૂજા હવે અમારા કહ્યામાં નથી, માટે તેની સાથે કોઇએ નાણાકીય વ્યવહાર કરવો નહીં. રામોલ પોલીસે દંપતી વિરુદ્ધમાં છેતર‌િપંડીની ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like