500 અને 1000ની નોટ રદ થયા બાદ શહેરમાં પહેલી લૂંટ

અમદાવાદ: 500 અને 1000 રૂપિયાની નોટ રદ કર્યા બાદ શહેરમાં પ્રથમ લૂંટનો બનાવ બન્યો છે. સરદારનગર વિસ્તારમાં બાઈક પર આવેલા લૂંટારુઓ વેપારી પિતા-પુત્રને લૂંટી સવા લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા.  કુબેરનગર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતા 44 વર્ષીય રાજેશ માખીચાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં 1.25 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ દાખલ કરાવી છે. રાજેશ માખીચાના પિતા શ્રીચંદભાઇ માખીચા તેમના ઘરમાં ભેગી કરેલી 1.25 લાખ રૂપિયાની 500 અને 1000ના દરની ચલણી નોટો બદલવા માટે ગઇ કાલે તેમની સ્ટેશનરીની દુકાને લઇ ગયા હતા.

જ્યાં શ્રીચંદભાઇએ તેમના પુત્ર વિનોદને બેન્કમાં રૂપિયા બદલવા માટે જણાવ્યું હતું. બપોરે વિનોદ બેન્કમાં 1.25 લાખ રૂપિયા બદલાવવા ગયો હતો, જ્યાં બેન્કના કર્મચારીઓએ 25 હજાર રૂપિયા બદલી આપતાં 50 અને 100ના દરની નોટો આપી હતી. મોડી રાતે શ્રીચંદભાઇ બેગમાં 500 અને 1000ના દરની એક લાખ રૂપિયાની નોટ તથા 50 અને 100ના દરની 25 હજારની નોટ લઇને તેમના પુત્ર રાજેશ સાથે ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભાગ્યોદય સોસાયટીના ગેટ પાસે બાઇક પર આવેલા બે લૂંટારુઓએ શ્રીચંદભાઇના હાથમાંથી બેગ ઝૂંટવી હતી.

શ્રીચંદભાઇએ રૂપિયા ભરેલી બેગનો પટ્ટો જોરથી પકડી રાખતાં તેઓ બાઈક પરથી જમીન પર પટકાયા હતા. લૂંટારુઓએ પુરઝડપે બાઇક ચલાવતાં શ્રીચંદભાઇ 7 ફૂટ જેટલા ઘસડાયા હતા. જ્યાં તેમને માથાના ભાગે ઇજા પહોંચતાં તેઓએ બેગનો પટ્ટો છોડી દીધો હતો. આ સમયે રાજેશભાઇ તેમનું બાઈક ઊભું રાખીને લૂંટારુઓને પકડવા દોડ્યા હતા, જોકે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ સહિત ડીસીપી, એસીપી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સરદારનગર પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે લૂંટારુઓને પકડવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 500 અને 1000ની નોટ રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી અમદાવાદ શહેરમાં પહેલી લૂંટની ઘટના ઘટી છે.

You might also like