નોટબંધી બાદ આરબીઆઈની આગામી સપ્તાહે પ્રથમ બેઠક

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૨૯.૨૬ પોઇન્ટના ઘટાડે ૨૬,૨૩૦.૬૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦૬.૧૦ પોઇન્ટના ઘટાડે ૮,૦૮૬.૮૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન શેરબજારમાં સાધારણ ૦.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં રિઝનેબલ કરેક્શનની જરૂરિયાત હતી તે થઇ ગઇ છે. સ્થાનિક બજારનો બધો જ આધાર વૈશ્વિક બજારના મૂડ ઉપર છે. વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ બગડે તો તેની સીધી અસર સ્થાનિક બજાર ઉપર જોવાઇ શકે છે, જોકે આગામી સપ્તાહે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠક છે, જેની જાહેરાત બુધવારે થશે.

સરકારની નોટબંધીની જાહેરાત બાદ આરબીઆઇની પ્રથમ મોનેટરી પોલિસીની બેઠક છે. આરબીઆઇએ એમએસએસ એટલે કે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમની લિમિટ વધારી છે. આરબીઆઇએ વર્ષ ૨૦૧૬-૧૭ માટે એમએસએસની લિમિટ વધારી છ લાખ રોડ રૂપિયા કરી દીધી છે. અગાઉ રૂ. ૩૦,૦૦૦ કરોડ હતી. એમએસએસ બોન્ડ નક્કી કરેલી સમય સીમા માટે હોય છે, જેમાં બેન્કને વ્યાજ પણ મળે છે. બેન્ક માટે એમએસએસ સ્કીમ સીઆરઆર કરતાં વધુ ફાયદેમંદ છે, કેમ કે સીઆરઆર અંતર્ગત જમા નાણાંમાં બેન્કને વ્યાજ મળતું નથી.

ચાલુ સપ્તાહે રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો નોંધાતો જોવાયો હતો. ચાલુ મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વની બેઠક છે, તેની સાથેસાથે ઇટાલીના જનમતની અસર પણ આગામી સપ્તાહે શેરબજાર ઉપર જોવાઇ શકે છે. બજારના પંડિતોના જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેદિવસીય બેઠક આજે પૂરી થઇ રહી છે. કેરળ અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે ઊભા કરેલા કેટલાક વિવાદિત મુદ્દાઓ અંગે ઉકેલ આવે તેવા આસાર ઓછા જણાઇ રહ્યા છે ત્યારે જીએસટીના અમલીકરણ અંગે પણ પ્રશ્નાર્થ ઊભો થઇ શકે છે. આવા સંજોગોમાં શેરબજારનું સેન્ટિમેન્ટ બગડી શકે છે.
http://sambhaavnews.com/

You might also like