નોટબંધી મુદ્દે સરકારને ઘેરવા પ્રિયંકાનો સમાવેશ

નવી દિલ્હી: નોટબંધી મામલે મોદી સરકારને ઘેરવા અને સરકાર પર આકરા પ્રહાર કરવા કોંગ્રેસે એક ખાસ ટીમની રચના કરી છે, જેમાં પ્રિયંકા ગાંધીને પણ સામેલ કરવામાં આવ્યાં છે. આ ટીમ દ્વારા કોંગ્રેસ સરકારને નોટબંધીના મુદે ઘેરવાને લગતા મહત્ત્વના મુદા સાથે ખાસ રણની‌િત તૈયાર કરવાની તૈયારી થઈ રહી છે. આ અગાઉ પણ યુપીની ચૂંટણીની તૈયારી અંગે યોજાયેલી પાર્ટીની બેઠકમાં પ્રિયંકાએ હાજરી આપી હતી.

કોંગ્રેસ ભલે પ્રિયંકાની ભૂમિકાને બિનસત્તાવાર ગણાવે, પણ રાજકીય સ્તરે તો તેમને કોંગ્રેસમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે અને તે મુજબ જ કોંગ્રેસ તરફથી સરકારને નોટબંધી મુદે ઘેરવાની યોજના બનાવવાની હાલ તૈયારી કરવામાં આવી રહી છે. આ યોજનાના ભાગરૂપે જ આવતી કાલે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષના અન્ય દળને સાથે રાખી સંયુકત પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ માટે તેઓ એક બેઠક યોજી સરકાર સામે આ મામલે કેવી રીતે વિરોધ કરવો તે અંગે પક્ષના વરિષ્ઠ નેતાઓની પ્રતિક્રિયા જાણશે અને તેની સમીક્ષા કરી વ્યાપક રણની‌િત તૈયાર કરવામાં આવશે.

જોકે રાહુલ ગાંધી અગાઉ યુપીના વિવિધ વિસ્તારમાં ચૂંટણી અભિયાન હેઠળ રેલીઓ અને સભા કરી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ હવે આવો વિરોધ દેશભરમાં કરવા માગે છે અને નોટબંધીની ડેડલાઈન ૩૦ ડિસેમ્બર બાદ સરકાર સામે કેવી નીતિ અપનાવવી તે અંગે પણ આયોજન કરી રહી છે.
http://sambhaavnews.com/

You might also like