નોટબંધીથી હાલાકી છતાં લોકો પીએમ મોદીની તરફેણમાંઃ સર્વે

નવી દિલ્હી: ૮ નવેમ્બરના રોજ રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટો બંધ કરવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ભલે લોકોને કેશની સમસ્યાથી હાડમારી ભોગવવી પડી રહી હોય, પરંતુ આ નોટબંધીના નિર્ણયના ૪૦ દિવસ બાદ પણ લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો નોટબંધી પર માત્ર તેમને સાથ જ આપી રહ્યા નથી, પરંતુ રાહુલ ગાંધી દ્વારા મોદી સામે કરવામાં આવેલા આક્ષેપો પણ બેબુનિયાદ હોવાનું માની રહ્યા છે.

આ જાણકારી સી-વોટર અને એનબીટીના સર્વેમાં બહાર આવી છે. સર્વેમાં એવું જણાવાયું છે કે સમગ્ર દેશમાં લોકો નોટબંધીની તરફેણમાં હજુ પણ છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે જલદી સ્થિતિ સામાન્ય બની જાય. સરકાર માટે પણ ચિંતા એ વાતની છે કે આ મુદ્દે કરવામાં આવેલા ચાર સર્વેમાં લોકોની મુશ્કેલી વધવાનો ટ્રેન્ડ દેખાય છે. લોકો નોટબંધીને સાથ આપી રહ્યા છે, પરંતુ તેના કારણે જે હાલાકી પડી રહી છે તેનાથી નારાજ છે. શહેરોની તુલનાએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ લોકોનું માનવું છે કે નોટબંધીના કારણે તેમને ભારે અગવડતા પડી રહી છે.

નોટબંધીની સાથે-સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના મામલે પણ લોકો મોદીની સાથે જ છે અને મોટા ભાગના લોકો તેને બેબુનિયાદ ગણાવે છે. સર્વે અનુસાર ૮ર.૭ ટકા લોકોનું માનવું છે કે રાહુલે મોદી સામે કરેલા આક્ષેપો બેબુનિયાદ છે. માત્ર ૧૭.૩ ટકા લોકો આ આક્ષેપોને ગંભીર માની રહ્યા છે. આ સર્વેમાં શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઓછી આવક ધરાવતા વર્ગો, મધ્યમવર્ગો અને ઊંચી આવક ધરાવતા વર્ગના જુદી જુદી વયજૂથના લોકોને સવાલો કરવામાં આવ્યા હતા.

કુલ પ૭.૭ ટકા લોકોનું માનવું છે કે તેઓ રાહુલ પર ભરોસો કરતા નથી અને આક્ષેપોને બેબુનિયાદ માને છે. ૯.૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે રાહુલ પર તેમને ભરોસો છે અને મોદી સામે કરવામાં આવેલા આક્ષેપો પણ સાચા છે. ૭.૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રાહુલ પર ભરોસો કરે છે, પરંતુ રાહુલના આક્ષેપો સાચા નથી. ૩.૯ ટકા લોકો એવા છે, જેઓ રાહુલ પર ભરોસો કરતા નથી, પરંતુ મોદી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોને સાચા માને છે. આ સર્વે ૧૯ થી ર૦ ડિસેમ્બર વચ્ચે ર૪ રાજ્યનાં ૪૧૯ લોકસભા ક્ષેત્ર અને ૮૯૭ વિધાનસભા ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like