નોટબંધીનું સમર્થન કરવા માથા પર મોદી લખાવ્યું!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાં નાણાં ઉપર કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને દેશભરના લોકોનું સમર્થન મળી રહ્યું છે. નોટબંધી બાદની સ્થિતિથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા અને બેંકના ધક્કા ખાવા છતાં અનેક લોકો કહે છે કે, “આ પગલું જરૂરી હતું.” તો એક વર્ગ સરકારના આ પગલાંની ટીકા પણ કરી રહ્યો છે. જોકે ગોંડલના એક મોદીફૅને આ પગલાંનું સમર્થન કરવા નોખો રસ્તો જ અપનાવ્યો છે. ગોંડલના મોદીફૅને આ નિર્ણયનું સમર્થન કંઈક અલગ રીતે કર્યું છે.

ગોંડલના ભરત ખજૂરિયાએ માથામાં મોદી લખેલું વંચાય એ રીતે હેરસ્ટાઈલ બનાવડાવીને આકર્ષણ ઊભું કર્યું છે. યુવાનો નવરાત્રિ કે ન્યૂ યર જેવા તહેવારમાં કે ક્રિકેટરસિયા વર્લ્ડકપ વખતે અવનવી હેરસ્ટાઈલ કરાવે છે, ત્યારે ભરત ખજૂરિયાએ રાજકીય બાબતે માથામાં મોદી લખાવી સમર્થન કર્યું છે.

ભરત ખજૂરિયા કહે છે, “વડા પ્રધાનના નોટબંધીના નિર્ણયથી અભિભૂત થઈને મેં આ પ્રકારની હેરસ્ટાઈલ કરાવી છે. કાળાં નાણાં, આતંકવાદી પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારને નાથવા સરકારે લીધેલો આ નિર્ણય યોગ્ય જ છે. કાળાં નાણાંને લીધે પૈસાદાર વર્ગ વધુ તવંગર બની રહ્યો હતો અને ગરીબ વર્ગ વધુ ગરીબ. હવે નોટબંધી બાદ તમામ વર્ગો સમાન થઈ ગયા છે. વડા પ્રધાનને મહાદેવના આશીર્વાદ મળે તે માટે હું મહાદેવના મંંદિરે દરરોજ એક કલાક પ્રાર્થના પણ કરીશ.” આને કહેવાય નોટબંધીનું નમો નમો સમર્થન.
http://sambhaavnews.com/

You might also like