નોટબંધીને કારણે પાક.ને નકલી નોટ છાપતા પ્રેસ બંધ કરવા પડ્યા

નવી દિલ્હી: ભારતે નોટબંધી દ્વારા નકલી નોટ વિરુદ્ધ મોટી સફળતા હાંસલ કરી છે. નોટબંધીને કારણે કાશ્મીર ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનને નકલી નોટ છાપતા બે પ્રેસ બંધ કરી દેવાની ફરજ પડી છે. નોટબંધીની રાષ્ટ્રીય સુરક્ષા પર થયેલી અસરોનો અભ્યાસ કરી રહેલ તપાસ એજન્સીઓએ આ માહિતી કેન્દ્ર સરકાર સાથે શેર કરી છે.

છેલ્લા ૩૦ િદવસમાં નોટબંધીની અસર અંગે અભ્યાસ કરનાર તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સરકારના આ નિર્ણયથી આતંકીઓનાં ફંડિંગ ફરતે ગાળિયો મજબૂત થયો છે અને તેના કારણે કાશ્મીર ખીણમાં આતંકી હિંસક ઘટનાઓમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. આ મહિને માત્ર એક જ બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઉપરાંત નોટબંધીને કારણે નકસલી પ્રવૃત્તિઓને પણ ફટકો પડ્યો છે. ભારતમાં હવાલા એજન્ટના ટ્રાફિકમાં પણ ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે નોટની ડિઝાઈનમાં ક્રાંતિકારી ફેરફાર અને નવા સુરક્ષા ફીચર્સને કારણે સીમા પાર ચાલતા નકલી નોટના ધંધા પર ખરાબ અસર પડી છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાના ક્વેટા સ્થિત સરકારી પ્રેસ અને કરાચીના એક પ્રેસમાં નકલી ભારતીય નોટો છાપતું હતું. નોટબંધી બાદ પાકિસ્તાનને હવે નકલી નોટની દુકાન બંધ કરવી પડી છે અને તેણે મજબૂરીથી નકલી નોટો છાપતા પ્રેસ બંધ કરવા પડ્યા છે.

You might also like