રદ થયેલી નોટોનો વહીવટ હજુ થાય છે? ૩૫ લાખની નોટ સાથે શખ્સ ઝડપાયો

અમદાવાદ: રૂ.૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો રદ થયાને નવ મહિના થયા હોવા છતાં હજી કેટલાક લોકો કમિશનની લાલચમાં લાખો રૂપિયાની જૂની નોટોને બદલાવવા માટે મથી રહ્યા છે. રદ થયેલી રૂ.35 લાખની નોટો સાથે ગાંધીનગરના એક શખ્સને રિવરફ્ર્ન્ટ ઈસ્ટ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ પાલડીમાં કોઈ વ્યક્તિને આ નોટો આપવાનો હતો. પોલીસે નોટો કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રિવરફ્ર્ન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.વી.જાડેજાને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ કારમાં એક વ્યક્તિ રૂ. 35 લાખની જૂની નોટો લઈને રિવરફ્રન્ટ પાસેથી પસાર થવાનો છે. જેના આધારે ટીમે રિવરફ્રન્ટ ખાતે વોચ ગોઠવી હતી. નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર આવતાં પોલીસે તેને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં બે થેલામાંથી રૂ.35 લાખની જૂની નોટો મળી આવી હતી.

કારમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતાં તેનું નામ હિતેશભાઇ જોશી (રહે. ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. રદ થયેલી નોટો બાબતે પૂછતાં સરસપુરમાં રહેતા કોઈ નિખિલ નામની વ્યક્તિએ આ નોટો કમિશન પર વટાવવા આપી હતી. આ નોટો પાલડી ખાતે એક વ્યક્તિ ફોન કરવાની હતી અને તેમને આ નોટોની ડિલિવરી કરવાની હતી.25થી 30 ટકા કમિશનની લાલચે આ જૂની નોટો વટાવવા તે જતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

You might also like