નીતીશકુમારના દિમાગમાં શું ચાલી રહ્યું છે?

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર હવે મોદીવિરોધી રાજનીતિમાં વિપક્ષનો ચહેરો બની શકે તેમ નથી. નોટબંધીના મોદી સરકારના નિર્ણયને નીતીશકુમારે સૈદ્ધાંતિક સમર્થન આપી આ નિર્ણય માટે વડા પ્રધાનની પ્રશંસા કરી ત્યારથી બિહારના મહાગઠબંધનના સાથી પક્ષો આરજેડી અને કોંગ્રેસ તેમનાથી નારાજ છે. તેમાં વળી બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પટણામાં નોટબંધી સામે દેખાવો યોજ્યા તેમાં નીતીશકુમાર હાજર ન રહ્યા એટલે તેમને ‘ગદ્દાર’ કહી દીધા એટલે વાત વધુ વણસી ગઈ છે. નીતીશકુમાર વ્યૂહાત્મક રીતે ધીમેધીમે ભાજપની નજીક જઈ રહ્યા હોવાની વાતને તેમણે નકારી કાઢી છે, પરંતુ નીતીશકુમારના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ કોઈ કહી શકે તેમ નથી, કેમ કે તાજેતરમાં તેમણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બિહાર જેવા વિપક્ષી મહાગઠબંધનની રાષ્ટ્રીય સ્તરે શક્યતાને મૂળમાંથી જ નકારી કાઢી હતી. બીજી બાજુ કોંગ્રેસે ૨૦૧૯ની ચૂંટણીમાં કોઈ પણ વિપક્ષી ગઠબંધનમાં વડા પ્રધાનપદના કોંગ્રેસના દાવેદાર રાહુલ ગાંધી જ રહેશે, એવું કહેવાનું શરૂ કર્યું છે. નીતીશકુમારના બદલાયેલા વલણનું એક કારણ એ પણ જણાવાય છે કે બિહારમાં શાસક મોરચાના સૌથી મોટા પક્ષ આરજેડીના વડા લાલુપ્રસાદે એવી વાત વહેતી મૂકી છે કે બિહારનું મુખ્યપ્રધાન પદ રોટેશન પ્રમાણે રહેવું જોઈએ. મતલબ કે અઢી વર્ષ પછી તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવવામાં આવે. નીતીશકુમારને આ વાત સ્વીકાર્ય બને તેમ નથી.
http://sambhaavnews.com/

You might also like