નોટબંધીના કારણે મ્યુચ્યુઅલ ફંડ હિટ થયા

મુંબઈ: નોટબંધી બાદ કોમનમેનના ઘરમાં રાખેલા પૈસા બેન્કોમાં પહોંચી ચૂક્યા છે પરંતુ બેન્કો વ્યાજદર ઘટાડી રહી છે તેથી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ વધી રહ્યું છે. નવેમ્બરમાં અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડમાં ૧૧,૦૦૦ કરોડનું રોકાણ થયું છે. બિરલા સનલાઈફ એએમસીના સીઈઅો એ. બાલા સુબ્રમણ્યમનું માનવું છે કે અાગામી ૯ મહિના દરમિયાન ત્રણથી ચાર લાખ કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડોમાં અાવશે.

સૌથી વધુ રિટેલ સ્કીમમાં રોકાણ થઈ રહ્યું છે જેમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી લીંક્ડ સેવિંગ સ્કીમ અને બેલેન્સ્ડ ફંડ સામેલ છે. ફંડ મેનેજરોનનું માનવું છે કે રોકાણકારો ઇક્વિટી અેલોકેશન વધારવા માટે બજારના લોઅર લેવલનો ઉપયોગ કરી રહ્યા છે અને અા કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ વધ્યું છે.

કોટક મ્યુચ્યુઅલ ફંડના વિશ્લેષકોનું માનવું છે કે બજાર તૂટવાની સ્થિતિને રોકાણકારો ખરીદીના મોકા તરીકે જોઈ રહ્યા છે. બીજી તરફ શેરના ભાવ ઘટવાથી રોકાણકારો ફંડોમાંથી પૈસા કાઢી રહ્યા નથી. નવેમ્બરના પહેલા ૨૫ દિવસમાં રિટેલ સ્કીમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ ૧૧,૦૦૦ કરોડનું રોકાણ થયું. અા વર્ષે અોક્ટોબર મહીના દરમિયાન રિટેલ સ્કીમમાં ૧૨,૭૭૭ કરોડ રૂપિયા અાવ્યા હતા જે હાલના નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ શુદ્ધ રોકાણ છે. અા પહેલા સપ્ટેમ્બરમાં ૭૦૧૮ કરોડ રૂપિયા અને અોક્ટોબર ૨૦૧૫માં ૭૦૨૩ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.

રિટેલ રોકાણકારો અેસઅાઈપી (સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા દર મહિને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી રહ્યા છે. અેસઅાઈપી દ્વારા દર મહીને માત્ર ઇક્વિટીમાં ૩૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે અને સાત લાખ નવા એકાઉન્ટ જોડાઈ રહ્યા છે.
અત્યારે મ્યુચ્યુઅલ ફંડો માટે અનુકૂળ માહોલ હોવાનું એક કારણ અે પણ છે કે બેન્કોઅે એફડીનો વ્યાજદર ઘટાડી દીધો છે. નોટબંધી બાદ બેન્કોમાં વધુ રોકડ અાવવાના કારણે ડિપોઝીટના દર ૦.૧૫થી ૦.૨૫ ટકા ઘટ્યા છે. દેશની સૌથી મોટી બેન્ક અેસબીઅાઈ હવે ફિક્સ્ડ ડિપોઝીટ પર ૬.૫થી ૭ ટકા વ્યાજ અાપે છે.
http://sambhaavnews.com/

You might also like