નોટબંધી પછી અનેક પ્રધાનોએ એટીએમ કાર્ડ બનાવડાવ્યાં

એક હજાર અને પાંચસોની નોટ રદ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે અર્થતંત્રને કૅશલેસ બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આરંભમાં એવું માનવામાં આવતું હતું કે લોકોને નાણાકીય વ્યવહારમાં પડતી મુશ્કેલીને લક્ષમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કૅશલેસ પ્રણાલી અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર અને વડા પ્રધાને કૅશલેસ પ્રણાલીને સ્થાયી ધોરણે લોકપ્રિય બનાવવા માટે ગંભીરતાપૂર્વક વ્યાપક ઝુંબેશ શરૂ કરી એ પછી સરકારના પ્રયાસને સૌ કોઈ વધુ ગંભીરતાથી લેતા થયા છે. તેમાં મોદી સરકારના પ્રધાનો અને વિવિધ મંત્રાલયો પણ બાકાત નથી. આજકાલ તમામ મંત્રાલયોમાં રોકડના વ્યવહારને કેવી રીતે ખતમ કરી શકાય એ બાબતે રીતસર પ્રેઝન્ટેશન અને પ્રશિક્ષણના પ્રયાસ ચાલી રહ્યા છે. સરકારની કૅશલેસ પ્રણાલીની આ ઝુંબેશથી બેંકોમાં એટીએમ કાર્ડ કઢાવવા માટે લોકોનો ધસારો વધી ગયો છે. તેનું કારણ એ છે કે અત્યાર સુધી એક મોટો વર્ગ બેંકમાંથી રોકડ ઉપાડીને ખર્ચ કરવામાં જ સુવિધા અનુભવતો હતો. કેન્દ્રના અનેક પ્રધાનો પણ એ રીતે જ વ્યવહાર કરતા હતા, પરંતુ નોટબંધી પછી અનેક પ્રધાનોએ પણ એટીએમ કાર્ડ કઢાવ્યાં છે. તેમને ડર છે કે વડા પ્રધાન ગમે ત્યારે આ બાબતે સવાલ કરશે, એટલે સજ્જ રહેવું સારું!
http://sambhaavnews.com/

You might also like